રાજકોટ-અમદાવાદ હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આ હાઇવે જાણે મોતના માર્ગ સમાન બન્યો હોય તેમ છાસવારે જીવલેણ બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં આ જ માર્ગ પર ચોટીલા નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં બોરસદ પંથકનો એક હસતો-રમતો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. જૂનાગઢની લીલી પરિક્રમા પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહેલા આ પરિવારની સફર જીવનભરનું દુઃખ આપી ગઈ, જ્યારે તેમની નજર સામે જ તેમના ઘરના દીવાને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો.
મળતી વિગતો મુજબ, બોરસદ તાલુકાના અલારસર ગામે રહેતો ૧૦ વર્ષનો જય દેવલભાઈ ચાવડા પોતાના પરિવાર સાથે જૂનાગઢ પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ચોટીલા પાસે આવેલા પ્રખ્યાત 'આપા ગીગાના ઓટલે' તેઓએ વાહન થોભાવ્યું હતું. પરિવારના તમામ સભ્યો ત્યાં રોકાયા હતા તે દરમિયાન માસૂમ જય પોતાના દાદાની આંગળી પકડીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે જ ટાંકણે પૂરપાટ ઝડપે ધસી આવેલા એક બેફામ કાર ચાલકે નિયમો નેવે મૂકીને રોડ પર ચાલી રહેલા આ બાળકને ગંભીર રીતે અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો.
આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માસૂમ જયને તાત્કાલિક ધોરણે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક બાળક ધોરણ ૩ માં અભ્યાસ કરતો હતો અને બે ભાઈઓમાં નાનો હોવાથી પરિવારના લાડકો હતો, જેની અચાનક વિદાયથી સમગ્ર અલારસર ગામ અને પરિવારમાં અસહ્ય શોક છવાઈ ગયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને ભાગી ગયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
