રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 24 પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, પીએસઆઈ અને ડી-સ્ટાફ સહિત અંદાજે 250 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ આ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓના ડિટેક્શન, સચોટ ઇન્વેસ્ટિગેશન અને આરોપીઓને અદાલતમાંથી કડક સજા (કન્વિકશન) અપાવવાના દરમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પોલીસ વિભાગની વ્યાવસાયિક સજ્જતા દર્શાવે છે.
તાલીમ સત્ર દરમિયાન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ તપાસ અધિકારીઓને કાયદાકીય બારીકીઓથી માહિતગાર કર્યા હતા. તેમણે રેઇડ, સર્ચ, મુદ્દામાલ જપ્તી, સેમ્પલિંગ પ્રક્રિયા, પંચનામું, ચેઇન ઓફ કસ્ટડી તેમજ એફએસએલ રિપોર્ટ અને ચાર્જશીટ દાખલ કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તપાસમાં રહી જતી નાની-નાની ક્ષતિઓનો લાભ લઈને આરોપીઓ છૂટી ન જાય અને કાયદાકીય છટકબારીઓ બંધ કરીને ગુનેગારોને મહત્તમ સજા અપાવી શકાય તે માટે પોલીસ અધિકારીઓને વ્યવહારુ ઉદાહરણો દ્વારા સચોટ તાલીમ આપવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ યુવાધન માટે ગંભીર ખતરો છે અને તેને જડમૂળથી નાબૂદ કરવા એસઓજી, એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સાયબર ક્રાઇમ ટીમ સંયુક્તપણે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે 3,700 થી વધુ કેસો નોંધી 5,300 થી વધુ આરોપીઓને જેર કર્યા છે અને અંદાજે રૂ. 13,600 કરોડથી વધુ મૂલ્યના માદક પદાર્થો યુવાધન સુધી પહોંચતા અટકાવ્યા છે. આગામી સમયમાં પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવીને શાળા-કોલેજોમાં પણ જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે.
