JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટમાં મનીષ કાર્ગો ચોરી પ્રકરણ: સવા બે લાખની મતા ઉઠાવનાર વધુ એક તસ્કર ઝડપાયો

રાજકોટમાં મનીષ કાર્ગો ચોરી પ્રકરણ: સવા બે લાખની મતા ઉઠાવનાર વધુ એક તસ્કર ઝડપાયો
રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલ મનીષ કાર્ગોમાંથી રેઈનકોટ પહેરીને રૂપિયા ૨.૨૫ લાખની ચોરી કરનાર કુખ્યાત તસ્કર ટોળકીના વધુ એક સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મોરબીના શખ્સની ધરપકડ કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા મનીષ કાર્ગોમાં ગત ૨૨ સપ્ટેમ્બરના રોજ ત્રાટકેલી તસ્કર ટોળકીએ આખી રાત્રે આંતક મચાવ્યો હતો. રાત્રીના ચારેક વાગ્યાના સુમારે મોઢે રૂમાલ બાંધી અને રેઈનકોટ જેવા સફેદ કપડા પહેરીને એક અજાણ્યો શખ્સ ઓફિસમાં ઘૂસ્યો હતો. તસ્કરે ખૂબ જ ચતુરાઈપૂર્વક બુકિંગ ઓફિસના ટેબલના ખાના તોડીને તેમાં રાખેલા રોકડ રૂપિયા ૮૧ હજાર તેમજ અંદર બોસ ચેમ્બરમાંથી રૂપિયા ૧.૪૪ લાખની રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨.૨૫ લાખની મતાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. સવારે આ ઘટના સામે આવતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

શહેરમાં વધી રહેલી મિલકત સંબંધી ચોરી અને ઘરફોડના અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સક્રિય બની હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવી રહી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી. ડોડીયા અને ડી.પી. ઝાલાની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપી મોરબી તરફથી રાજકોટ તરફ આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ ચોક પાસેથી અંકિત મહાદેવ વિકાણી નામના ૨૬ વર્ષીય શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

ઝેડપાયેલા આરોપી અંકિત વિકાણીની પૂછપરછ દરમિયાન મોરબીના લીલાપર રોડ પર સરકારી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ પોલીસ દ્વારા આ જ ગુનામાં સંડોવાયેલા ગોપાલ છગન બોળીયા નામના અન્ય એક મુખ્ય તસ્કરને જેણે આ ચોરીને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેને પણ ક્રાઈમ બ્રાન્ચે જ દબોચી લીધો હતો. હાલ પોલીસ દ્વારા આ બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી ચોરી કરાયેલી રકમ ક્યાં છુપાવી છે તથા આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES