JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

મુંબઈના ઘાટકોપરમાં ચાર મુમુક્ષુઓની ભવ્ય સંયમ યાત્રા યોજાશે

મુંબઈના ઘાટકોપરમાં ચાર મુમુક્ષુઓની ભવ્ય સંયમ યાત્રા યોજાશે
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં દીક્ષા અંગિકાર કરનાર ચાર મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રા આગામી ૨૫ નવેમ્બર, બુધવારે મુંબઈના ઘાટકોપર ખાતે યોજાશે. આ અલૌકિક યાત્રામાં હજારો ભાવિકો જોડાઈને ત્યાગધર્મની અનુમોદના કરશે.

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં જિનશાસનની આન, બાન અને શાન વધારતો એક અત્યંત પ્રેરણાદાયી ધાર્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આજના ભૌતિકવાદી યુગમાં મોજ-શોખ, સુખ-સમૃદ્ધિ અને સમગ્ર સંસારના પારિવારિક સંબંધોનો ત્યાગ કરીને આધ્યાત્મિક માર્ગ અપનાવનાર ચાર મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રા આગામી ૨૫ નવેમ્બર, બુધવારે સવારે ૦૮:૧૫ કલાકે ઘાટકોપર ખાતેથી પ્રારંભ થશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી રહેલા આ દીક્ષાર્થીઓની શોભાયાત્રાને લઈને જૈન સંઘ અને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ શોભાયાત્રા માત્ર એક સરઘસ નહીં પરંતુ આધ્યાત્મિક દિવ્યતા અને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું અદ્ભુત સંગમ બનશે. યાત્રા દરમિયાન અષ્ટમંગલના સુંદર પ્રતીકો, સ્વસ્તિકધારી ભાવિકો, મંગલ કલશધારી બહેનો, લહેરાતા ધર્મધ્વજ અને પંચ મહાવ્રતની સુંદર પ્રસ્તુતિ વિશેષ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત, લાઈવ મોડલ્સ, નયનરમ્ય પ્રોજેક્ટ્સ, સુંદર ફ્લોટ્સ અને દેવવિમાન જેવા દિવ્ય શણગારથી સજ્જ દીક્ષાર્થીઓના રથ ઘાટકોપરના રાજમાર્ગોને પવિત્રતા અને ભવ્યતા અર્પશે. આ સમગ્ર મહોત્સવના અનુમોદક માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ અને શ્રી મિલીબેન જિગરભાઈ શેઠ પરિવારના ગારોડિયા નગર સ્થિત નિવાસસ્થાનથી શરૂ થઈને આ યાત્રા આરાધ્ય ભક્તિ પાર્ક, હોકી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થશે.

આ ભવ્ય આયોજનની સાથે યુવા પેઢી અને બાળકોમાં સંસ્કાર અને ધર્મનું સિંચન થાય તે હેતુથી વિશેષ પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ' દ્વારા ૮ થી ૧૫ વર્ષના બાળકો માટે 'સંયમ આર્ટ સ્પર્ધા' યોજવામાં આવી છે, જેમાં બાળકો સંયમ વિષય પર સુંદર ચિત્રો બનાવશે. આ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે એટલું જ નહીં પરંતુ શ્રેષ્ઠ ૧૦ થી ૨૦ ચિત્રોને આ મુખ્ય શોભાયાત્રામાં સ્થાન આપીને બાળકોને પણ આ પુણ્યકાર્યમાં સહભાગી બનાવવામાં આવશે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES