યુક્રેને તેની સરહદથી ૨,૪૦૦ કિલોમીટર દૂર લિબિયાના બેન્ગાઝી બંદર પર એક અત્યંત ચોંકાવનારી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU) અને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવેલા સાત નેવલ ડ્રોનનો ઉપયોગ કરીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે રશિયન નેવીનું અત્યાધુનિક 'મર્કુરી' કોર્વેટ જહાજ અને એક કાર્ગો વેસલ આ ભીષણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા. હુમલા બાદ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો, એટલું જ નહીં પરંતુ જહાજ પર તૈનાત એક કે-૨૭ મિલિટરી હેલિકોપ્ટર પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ મિશન પાછળ યુક્રેનની ઉત્તર આફ્રિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગુપ્ત સૈન્ય રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. અહેવાલો મુજબ, પશ્ચિમી લિબિયામાં યુક્રેની સેનાના લગભગ ૨૦૦ જેટલા અધિકારીઓ અને વિશેષજ્ઞો તૈનાત છે, જેઓ ડ્રોન યુદ્ધ પદ્ધતિમાં તાલીમ અને સંચાલનનું કામ સંભાળે છે. લિબિયાના લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન મધરશીપ અથવા લિબિયાના કિનારે સ્થિત ગુપ્ત બેઝ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, કિવ સરકારે આ બાબતે સત્તાવાર સમર્થન આપ્યું નથી, પરંતુ ભૂતકાળમાં પણ ભૂમધ્ય સમુદ્રમાં રશિયન ટેન્કરો અને કાર્ગો જહાજોને નિશાન બનાવવા માટે આવી જ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
રશિયા માટે 'મર્કુરી' યુદ્ધજહાજનો નાશ થવો એ માત્ર સૈન્ય સાધન ગુમાવવા સમાન નથી, પરંતુ તેની વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે મોટો ફટકો છે. મે ૨૦૨૩માં જ સેવામાં સામેલ થયેલું આ ૨,૨૦૦ ટન વજન ધરાવતું પ્રોજેક્ટ ૨૦૩૮૦ સ્ટીરગ્યુશ્ચિય-ક્લાસ કોર્વેટ રશિયાના અત્યાધુનિક યુદ્ધજહાજોમાંથી એક હતું. તે એન્ટિ-શિપ મિસાઇલો, એર-ડિફેન્સ સિસ્ટમ અને હેલિકોપ્ટર ઓપરેશનની ક્ષમતા ધરાવતું હોવા ઉપરાંત સીરિયા અને લિબિયાના સપ્લાય રૂટ પર રશિયન કાફલાને સુરક્ષા પૂરી પાડતું હતું. હવે આ જહાજના નષ્ટ થવાથી ભૂમધ્ય સમુદ્રમાં રશિયાની સૈન્ય પુરવઠા શ્રૃંખલા નબળી પડી છે અને યુક્રેને સાબિત કરી દીધું છે કે રશિયન જહાજો માટે હવે વિશ્વના કોઈ પણ સમુદ્ર સુરક્ષિત રહ્યા નથી.
