રાજકોટ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના પગલે રાજકોટ-ભાવનગર હાઇવે પર એક મોટી સફળતા મળી છે. પીએસઆઈ વી.ડી. ડોડીયા અને ડી.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળીયા, ધારાભાઈ વનારીયા અને રાજેશભાઈ જળુને ખાનગી રાહે બાતમી મળી હતી કે આર.કે. યુનિવર્સિટીના ગેટ પાસેથી કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે વાહનોમાં દારૂનો જથ્થો હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્યાંથી પસાર થતી બે શંકાસ્પદ રિક્ષાઓને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે બંને રિક્ષાઓની તલાશી લેતા અંદરથી મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં અંદાજે રૂ. ૩,૦૮,૪૪૮ ની કિંમતની કુલ ૧૧૫૨ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રિક્ષા ચાલક આકીબ ઇકબાલભાઈ બેલીમ (રહે. જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટર) અને ઇદ્રીશ ઉર્ફે મયુર અયુબખાન જલવાણી (રહે. હાથીખાના, રામનાથપરા) નામના બે શખ્સોને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે દારૂ ઉપરાંત બે રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૫,૧૩,૯૪૮ નો કુલ મુદ્દામાલ જજ્બ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી આકીબ સામે અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધી ભંગના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેમને ત્રંબા પાસેથી રામનાથપરાના ઘાંચીવાડમાં રહેતા દિલાવર ઉર્ફે જીણી સલીમભાઈ મકરાણી નામના શખ્સે રિક્ષામાં ભરી આપ્યો હતો અને આ વાહનો રામનાથપરા પહોંચાડવાની સૂચના આપી હતી. આ ખુલાસાના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર દિલાવર ઉર્ફે જીણી સહિત ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે વિશેષ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસની આ લાલ આંખથી ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
