JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

ઉના ખાંડ ઉદ્યોગના 600 કામદારો માટે ઐતિહાસિક વિજય, સુપ્રીમ કોર્ટે 23 કરોડ ચૂકવવા આપ્યો આદેશ

ઉના ખાંડ ઉદ્યોગના 600 કામદારો માટે ઐતિહાસિક વિજય, સુપ્રીમ કોર્ટે 23 કરોડ ચૂકવવા આપ્યો આદેશ
ચાર દાયકા લાંબી કાનૂની લડત બાદ ઉના ખાંડ ફેક્ટરીના 600થી વધુ શોષિત કામદારોને ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રકમ ચૂકવવામાં ન આવતા જવાબદાર ઉચ્ચ અધિકારીઓને અવમાનનાની નોટિસો ફટકારવામાં આવી છે.

ઉના તાલુકા ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા ભૂતકાળમાં મજૂરો પર અન્યાયનો સિલસિલો ચલાવવામાં આવ્યો હતો. ફેક્ટરી દ્વારા પ્રથમ બે વખત ગેરકાયદેસર લે-ઓફ જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને કોઈપણ પ્રકારના હક-હિસ્સા કે વળતર વગર સેંકડો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય પગલાને કારણે 600 કરતાં વધુ કામદારો અને તેમના પરિવારો રાતોરાત બેહાલ અને બેકાર બની ગયા હતા. આ કપરા સમયમાં સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટ દ્વારા પીડિત કામદારોની વહારે આવીને કાનૂની લડતનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું હતું અને સતત 40 વર્ષ સુધી મક્કમતાપૂર્વક ન્યાયની આ લડત લડવામાં આવી હતી.

આ કેસની વિગતો મુજબ, ખાંડ ફેક્ટરી પાસે પૂરતા પ્રમાણમાં શેરડીનો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં તેનો અન્યત્ર વેપાર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાચો માલ તથા શેરડી ખૂટી પડી હોવાનું ખોટું બહાનું ધરીને ફેક્ટરીને તાળા મારી દેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટના આ અન્યાય સામે સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘે મજૂર અદાલત, ઔદ્યોગિક અદાલતથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી મજબૂત રજૂઆતો કરી હતી. ફેક્ટરી સંચાલકો દ્વારા અદાલતોમાં વારંવાર પાયાવિહોણા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં યુનિયનના સચોટ પુરાવાઓને કારણે કામદારોની તરફેણમાં હુકમો આવ્યા હતા. જો કે, વહીવટી તંત્રની અણઆવડ અને બદઇરાદાને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાંથી આખરે કામદારોની જીત થઈ હતી અને અંદાજે 23 કરોડ રૂપિયા ચૂકવવાનો આખરી આદેશ થયો હતો.

સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આ રકમ સમયસર ચૂકવવામાં ન આવતા આખરે અદાલતી આદેશોની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ના નોટિસો પાઠવવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ દ્વારા ગુજરાત સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજકુમાર દાસ, સહકાર વિભાગના સેક્રેટરી અરુણકુમાર સોલંકી, રેવન્યુ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જયંતિ રવિ, ખાંડ નિયામક સુનિલ ચૌધરી, ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા રજિસ્ટ્રાર નિર્મળસિંહ ગોહેલ, મામલતદાર ધીરજલાલ ભીમાણી અને ડેપ્યુટી કલેક્ટર અજયસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓને કાયદેસરની નોટિસો બજાવવામાં આવી છે. ચાર દાયકાના સંઘર્ષ બાદ મળેલા આ ન્યાયથી કામદારોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES