ચોટીલા શહેરમાં કુંદણી ગામની જમીનના જૂના વિવાદને લઈને એક અત્યંત ગંભીર અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચોટીલા નગરપાલિકાના પૂર્વ સદસ્ય કિરીટભાઈ જોરૂભાઈ ખાચર પર તેમના જ ફઈના દીકરા નીમભાઈ ભીખુભાઈ ખવડ દ્વારા જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. મૂળ વિવાદ એ હતો કે કિરીટભાઈના માતા-પિતા દ્વારા વર્ષો અગાઉ કુંદણી ગામની જમીન વેચી દેવામાં આવી હોવા છતાં, આરોપી નીમભાઈને ખોટી શંકા હતી કે આ જમીન કિરીટભાઈએ જ વેચાવી દીધી છે. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી અગાઉ પણ ફોન પર બોલાચાલી કરી ધમકીઓ આપતો હતો, જેણે અંતે આ ખતરનાક હુમલાનું રૂપ ધારણ કર્યું હતું.
આ હુમલાની શરૂઆત ગત ૨૧ નવેમ્બરની રાત્રે થઈ હતી, જ્યારે આરોપી નીમભાઈ અજમેરા પેટ્રોલ પંપ સામે આવેલી કિરીટભાઈની ઓફિસે પહોંચીને ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે કિરીટભાઈ દ્વારા ૧૧૨ નંબર પર પોલીસ ઈમરજન્સીમાં ફોન કરવામાં આવતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, મામલો અહીં જ ન અટકતા બીજા દિવસે એટલે કે ૨૨ નવેમ્બરની રાત્રે આશરે ૧૨:૧૫ વાગ્યે કિરીટભાઈ તેમના મિત્રો હિતેન્દ્રસિંહ ઝાલા, નિરવભાઈ રાઠોડ અને અલ્કેશભાઈ મિસ્ત્રી સાથે પોતાની ઓફિસમાં બેઠા હતા, ત્યારે નીમભાઈ મોટરસાયકલ લઈને ફરીથી ત્યાં ધસી આવ્યા હતા અને કિરીટભાઈને બહાર બોલાવીને ખૂની ખેલ રમવાના ઇરાદાથી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હતું.
આરોપીએ સીધો કિરીટભાઈ ઉપર જ લક્ષ્ય રાખીને ગોળીબાર કર્યો હતો, પરંતુ સદનસીબે ગોળી ઓફિસના દરવાજા અને દિવાલ સાથે અથડાઈને અટકી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઓફિસની અંદર ઘૂસીને ફરીથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવતા હાજર રહેલા મિત્ર હિતેન્દ્રસિંહ ઝાલાએ ભારે સૂઝબૂઝ અને સાહસ દાખવીને આરોપી નીમભાઈને પકડીને બહાર ધકેલી દીધો હતો. ત્યાંથી જતા જતા પણ આરોપીએ કિરીટભાઈને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે.
