સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગૌરક્ષકોની સતર્કતાના કારણે પશુઓની ગેરકાયદે હેરાફેરીનો એક મોટો પર્દાફાશ થયો છે. રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ પીકઅપ વાનમાં અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને સૌરાષ્ટ્ર તરફ લાવવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી સ્થાનિક ગૌરક્ષકોને મળી હતી. આ બાતમીના આધારે હરેશભાઈ ચૌહાણ, ભરતભાઈ વાઘેલા અને અનીલભાઈ બોરાણા સહિતના ગૌરક્ષકોએ ચોટીલાના આપાગીગાના ઓટલા નજીક સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી પીકઅપ વાનને રોકીને તપાસ કરતા તેમાં મોટી સંખ્યામાં ઘેટા મળી આવ્યા હતા.
વાનની અંદર તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે ૪૦ જેટલા ઘેટાઓને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પીવાના પાણીની વ્યવસ્થા વગર અત્યંત દયનીય અને ઘાતકી સ્થિતિમાં બાંધીને રાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વાહનમાં સવાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના સમીર ઈલીયાસખાન કુરેશી, શરીફ અહેમદ કુરેશી અને મુર્શીદમહોમ્મદ કુર્શીદમહોમ્મદ કુરેશી તરીકે થઈ હતી. આ શખ્સો રાજસ્થાનથી ઘેટા ભરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ રહેતા સોયમ હાસમભાઈ બુમાડીયાને પહોંચાડવા જઈ રહ્યા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
સમગ્ર મામલે ચોટીલા પોલીસ મથકના એચસી જે.જી. મેણીયા સહિતના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૪૦ ઘેટા જેની કિંમત અંદાજે ૨ લાખ રૂપિયા થાય છે, ૫ લાખ રૂપિયાનું પીકઅપ વાન અને ૧૭ હજાર રૂપિયાની કિંમતના ૩ મોબાઈલ ફોન સહિત કુલ ૭.૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદાકીય અધિનિયમ હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ મુક્ત કરાયેલા તમામ ઘેટાઓને સુરક્ષિત રીતે રાજકોટની આજીડેમ ચોકડી પાસે આવેલી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
