ગાંધીનગર તાલુકાના છાલા ગામે રહેતા અશોકભાઈ પટેલે પોતાના ખેતરમાં જીવનું જોખમ ઊભું કરતા વીજવાયરો સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. અશોકભાઈના ખેતર પાસેથી પસાર થતી ડી.ટી. મેઇન લાઇનના વાયરો વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અત્યંત નીચા નમી ગયા હતા, જે જમીનથી માંડ દસ ફૂટ જ ઊંચાઈ પર હતા. ખેતરમાં ડાંગર કાપવાની મોસમ હોવાથી અને ટ્રેક્ટર કે અન્ય ખેતીકામ કરતી વખતે આ લાઇન અડી જવાથી ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય હતો. આ અંગે તેમણે ચિલોડા સ્થિત UGVCL-2 વીજ કચેરીમાં અનેક વખત લેખિત રજૂઆતો કરી હોવા છતાં વીજ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા અને કોઈ જ મરામત કામગીરી હાથ ધરી ન હતી.
વીજતંત્રના અધિકારીઓની ઉદાસીનતા અને લાંબા સમયની અરજીઓ બાદ પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે ખેડૂતની ધીરજ ખૂટી ગઈ હતી. ખેતરમાં ડાંગરનો પાક વાઢવા માટે અશોકભાઈએ અગાઉથી જ વીજપાવર બંધ કરાવી દીધો હતો અને વીજ સપ્લાય બંધ હોવાનો લાભ લઈને તેમણે લટકતા વીજ વાયરોને જ મજબૂત તાળું મારી દીધું હતું. ખેડૂતનું આ પગલું સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું હતું અને વીજતંત્ર સામે ખેડૂતોના રોષનો સ્પષ્ટ સ્ફોટ જોવા મળ્યો હતો. અશોકભાઈએ સ્પષ્ટ માંગ કરી હતી કે તેમના ખેતરમાંથી આ જોખમી વીજપોલ અને લાઇન વહેલી તકે હટાવવામાં આવે.
આ અનોખા વિરોધના કારણે તાત્કાલિક મોટી અસર જોવા મળી હતી અને આ ફીડર હેઠળ આવતા આશરે ૧૦૦ જેટલા બોરવેલ અને અન્ય વીજગ્રાહકોનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા સમજીને વીજતંત્રની ટીમો તરત જ દોડતી થઈ હતી અને અન્ય ગ્રાહકોને વધુ હાલાકી ન ભોગવવી પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અન્ય ફીડરથી વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. જોકે, ફરજમાં રૂબરૂ અડચણ ઊભી કરવા અને વીજ લાઇનને નુકસાન પહોંચાડવા બદલ તંત્ર દ્વારા સંબંધિત ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.
