JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન વિરોધ મામલે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન વિરોધ મામલે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ધોળકાના સરગવાળા ગામે યોગ્ય વળતર અને મંજૂરી વગર જીએસપીએલની ગેસ પાઇપલાઇન નાખવાના વિરોધમાં ખેડૂતો ઉગ્ર બન્યા હતા. પાઇપલાઇન મામલે થયેલા ઘર્ષણ અને પથ્થરમારા બાદ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં જીએસપીએલ (GSPL) કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, કંપની દ્વારા તેમની પૂર્વ સંમતિ લીધા વિના અને કોઈપણ પ્રકારના યોગ્ય વળતરની ચૂકવણી કર્યા વિના જબરદસ્તીથી ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ખેતરોમાં જ ધરણાં પર બેસી ગયા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે ખેડૂતોએ પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાઓને જાતે જ પાવડા વડે પૂરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ આંદોલન દરમિયાન પરિસ્થિતિ તે સમયે વધુ વણસી જ્યારે પોલીસે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીને ડિટેન કર્યા, જેનાથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કામગીરી સામે રોષે ભરાયેલા ખેડૂતો, જીએસપીએલના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ દરમિયાન અચાનક પથ્થરમારો થવાથી પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી તેમજ કંપનીના વાહનોને પણ વ્યાપક નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કોઠ પોલીસ સ્ટેશનમાં અધિકૃત રીતે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ત્વરિત પગલાં લીધા છે.

પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીને બ્રિજરાજભાઈ રાજુભાઈ સોલંકી, સુરેશભાઈ કાનાભાઈ મકવાણા, વિક્રમભાઈ નરશીભાઈ રાઠોડ, રામજીભાઈ ગાંડાભાઈ મકવાણા, ઠાકરશીભાઈ લલજીભાઈ મકવાણા, પ્રતાપભાઈ મગનભાઈ સોલંકી અને બાબુભાઈ પરષોતમભાઈ સોલંકી સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ સરગવાળા અને ભાવનગર વિસ્તારના રહેવાસી છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આગળની સઘન તપાસ શરૂ કરી દીધી છે તેમજ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેને લઈને વિસ્તારમાં હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES