દેશમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ખાદ્ય કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભરવામાં આવ્યું છે. નિયત ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સહિત કુલ પાંચ અગ્રણી ખાદ્ય વ્યવસાયિક સંસ્થાઓ સામે ફોજદારી મુકદ્દમા (પ્રોસિક્યુશન) ચલાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. ઓથોરિટીની આ લાલ આંખથી સમગ્ર ખાદ્ય ઉદ્યોગમાં ભારે ચકચાર મચી ગઈ છે અને કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ કાર્યવાહી અંતર્ગત, બિસ્લેરી ઇન્ટરનેશનલના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના સેમ્પલ નિર્ધારિત બ્રોમેટ મર્યાદા વિરુદ્ધ અસુરક્ષિત જણાતા તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેફરલ ફૂડ લેબોરેટરી દ્વારા આ પાણીમાં પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન હોવાનું પૂરવાર થતાં તેને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરાઈ હતી. આ ઉપરાંત, વસંત મસાલા અને ટિટ-બિટ ફૂડ્સના મરચા તથા હળદરના પાઉડરમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં જંતુનાશક દવાઓ અને ટીન જેવા હાનિકારક તત્વો મળી આવ્યા હતા. સાથે જ, મિમાંસા ઇન્ડસ્ટ્રીઝના અખરોટ અને આશા કન્ફેક્શનરીની ચોકલેટ-ફિલ્ડ કુકીઝમાં પણ ગંભીર ક્ષતિઓ અને ગુણવત્તાના પ્રશ્નો સામે આવ્યા હતા.
ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનાર અન્ય બે સંસ્થાઓ, ઉર્મી લાઈફસાયન્સિસ એલએલપી અને ગૌર આયુર્વેદિક સ્ટોર સામે પણ ઓથોરિટીએ ભારે દંડાત્મક કાર્યવાહી કરી છે. નબળી સ્વચ્છતા અને રિ-પ્રેકિંગ સંબંધિત ગંભીર અનિયમિતતાઓને કારણે આ બંને એકમોના ઓપરેટિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. FSSAI ના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી અસુરક્ષિત પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાયદાકીય શિકંજો વધુ કસ્વામાં આવશે.
