JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

બહુચરાજીમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો તુલસી-શાલિગ્રામ વિવાહ મહોત્સવ

બહુચરાજીમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો તુલસી-શાલિગ્રામ વિવાહ મહોત્સવ
યાત્રાધામ બહુચરાજી ખાતે દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના દિવ્ય વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્્રોક્ત વિધિ અને હજારો જાનૈયાઓની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને સંપૂર્ણપણે ભક્તિમય બનાવી દીધો હતો.

સનાતન પરંપરા અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગૃત થાય છે, જેની સાથે જ લગ્ન સહિતના તમામ માંગલિક કાર્યોનો શુભારંભ થાય છે. આ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા ઉત્સાહી વાતાવરણ વચ્ચે તા. 21 નવેમ્બરના રોજ બેચર અને બહુચરાજીના બે સમર્પિત ભાવિક પરિવારોના યજમાનપદે તુલસી-શાલિગ્રામ વિવાહ મહોત્સવ યોજાયો હતો. આ દિવ્ય પ્રસંગમાં પંથકભરના સંતો-મહંતો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો અને સમગ્ર પંથક ઉત્સવના રંગે રંગાઈ ગયો હતો.

આ ભવ્ય મહોત્સવના ભાગરૂપે સાંજે 7 વાગ્યે બેચર ગામેથી ભગવાન શાલિગ્રામની ભવ્ય જાન કાઢવામાં આવી હતી, જેમાં એક હજારથી વધુ ઉત્સાહી જાનૈયાઓએ જોડાઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. રાત્રે 8:15 કલાકે રામજી મંદિરેથી પ્રસ્થાન કરેલી આ જાન બહુચરાજી માતાજીના મંદિર પરિસરે પહોંચી હતી, જ્યાં કન્યાપક્ષ દ્વારા પરંપરાગત રીતિ-રિવાજો મુજબ હર્ષોલ્લાસ સાથે જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વરપક્ષ તરીકે ભરવાડ ભાવેશભાઈ માલુભાઈ તથા સમસ્ત ગમારા બેચર ગામ પરિવાર અને કન્યાપક્ષ તરીકે બહુચરાજીના ઠક્કર જયંતિભાઈ શિવાજી પરિવાર આ માંગલિક પ્રસંગના મુખ્ય યજમાન બન્યા હતા.

રાત્રે 9 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તુલસી માતાજી અને ભગવાન શાલિગ્રામના વિવાહની તમામ વિધિઓ ખૂબ જ પવિત્ર વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. આ અનોખા લગ્નોત્સવમાં સામેલ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુ વિવાહનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બે અને બહુચરાજીના પરિવારોના સહયોગથી યોજાયેલો આ ધાર્મિક મહોત્સવ માત્ર એક ઉત્સવ ન રહેતા સનાતન ધર્મની સમૃદ્ધ પરંપરા, આપસી સામૂહિક એકતા અને અતૂટ ભક્તિભાવનું એક અદભુત પ્રતીક બની રહ્યો હતો.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES