નૂતન વર્ષના અવસર પર હારીજ ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારના ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત તમામ હોદ્દેદારો તથા કાર્યકરોમાં ભારે ઉત્સાહ ભર્યો હતો. તેમણે પોતાના ઉદ્બોધનમાં આગામી વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપરથી પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવીને કમળ ગાંધીનગર મોકલવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓને કટિબદ્ધ થવા માટે આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીએ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અગાઉ ગરીબ પરિવારોને લાકડા સળગાવીને કે ધુમાડા વચ્ચે રસોઈ કરવી પડતી હતી અને તેમની વેદના કોઈ સાંભળતું ન હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલમાં મૂકીને લાખો વંચિત પરિવારોના ઘરોમાં ગેસ કનેક્શન પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. જનહિતના આ કાર્યોને કારણે આજે જનતાનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને ઓબીસી મોરચામાં પ્રદેશ મહામંત્રીની નવી જવાબદારી સોંપવામાં આવતા હારીજ શહેર સંગઠન અને વિધાનસભા મતક્ષેત્રના અગ્રણીઓ દ્વારા તેમનું શાલ ઓઢાડી અને ફેંટો પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાંથી ભાજપના પ્રમુખો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર ઉપરાંત પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાષ્ટ્રીય ઓબીસી મોરચાના નવનિયુક્ત મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી દશરથજી ઠાકોર, રાજકોટ જિલ્લાના પ્રભારી ભરતભાઈ આર્ય તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસાઈ સહિતના અનેક શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરોનું માર્ગદર્શન કર્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર ચર્ચા કરી હતી.
