અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ફાયર સ્ટેશન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સતત ઉભરાઈને મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. જાણે રસ્તા પર ગટરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને આસપાસની સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોની અવરજવર ખૂબ જ વધુ રહેતી હોવાને કારણે સવારથી જ અહીં ટ્રાફિક જામ અને ગંદકીનું મોટું સામ્રાજ્ય જોવા મળે છે, જેના લીધે નાગરિકોનો રોજિંદો વ્યવહાર પ્રભાવિત થયો છે.
માર્ગ પર ગટરના પાણી ભરાયેલા હોવાને કારણે મોટા ખાડાઓ પાણીમાં છુપાઈ જાય છે, જેના પરિણામે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈને પડી જવાના અકસ્માતો દિનપ્રતિદિન વધી રહ્યા છે. રાહદારીઓ માટે આ રોડ પર ચાલીને પસાર થવું પણ અત્યંત મુશ્કેલ બન્યું છે અને રોડ પર જમા થયેલા ગંદા પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના દુકાનદારો તથા રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે. સ્થાનિક નાગરિકોમાં એવી પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે કે આ પ્રકારની ગંદકીના કારણે આગામી સમયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
ફायर સ્ટેશન જેવા અત્યંત મહત્વના અને વ્યસ્ત રોડ પર જ આવી નર્કાગાર સમાન પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અગાઉ પણ આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આસપાસના રહીશો અને વેપારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈનની સફાઈ કરાવીને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી નાગરિકોને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે.
