ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ક્ષેત્રમાં એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં 22 નવેમ્બર 2026ના રોજ FSSAIએ દેશની અગ્રણી અને 50 વર્ષથી વધુ જૂની બ્રાન્ડ બિસ્લેરી ઈન્ટરનેશનલ સામે અસુરક્ષિત પાણી વેચવાના આરોપસર કાનૂની કાર્યવાહી કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ઓથોરિટીની કડક તપાસ દરમિયાન કંપનીના પાણીના નમૂનાઓમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા રાસાયણિક તત્વો નિર્ધારિત મર્યાદા કરતા ક્યાંય વધુ પ્રમાણમાં મળી આવ્યા હતા, જેણે બજારમાં વેચાતી શુદ્ધ પાણીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
તપાસની વિગતો અનુસાર, બિસ્લેરી કંપનીના સીધા પરિસરમાંથી લેવાયેલા સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં બે અત્યંત ખતરનાક તત્વો 'બ્રોમેટ' અને 'પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ' (PAHs) ની હાજરી પકડાઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે પ્રથમ તપાસમાં બ્રોમેટની માત્રા વધુ આવતા કંપનીએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ કરવામાં આવેલી પુનઃતપાસમાં પણ પાણી અસુરક્ષિત જ સાબિત થયું હતું અને તેમાં કેન્સર કારક PAHs જેવા હાનિકારક તત્વો પણ મળી આવ્યા હતા. વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે આ બંને રસાયણો સીધી રીતે કેન્સર જેવા ગંભીર રોગો સાથે સંકળાયેલા હોવાનું મનાય છે, જેના કારણે FSSAI એ ફૂડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ આકરી કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે FSSAI સમગ્ર દેશમાં વિવિધ ખાદ્ય અને પેય પદાર્થો બનાવતી કંપનીઓ પર સકંજો કસી રહી છે. આ અગાઉ જૂન મહિનામાં ઓથોરિટીએ વધુ પડતી ખાંડ ધરાવતા એનર્જી ડ્રિંક્સના લેબલિંગ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને રેડ બુલ અને પેપ્સિકો જેવી મોટી વૈશ્વિક કંપનીઓ સાથેનો વિવાદ દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાલમાં રેડ બુલને અદાલત તરફથી સ્ટે મળ્યો છે પરંતુ આગામી જાન્યુઆરી માસમાં આ મામલે થનારી સુનાવણી ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. આમ, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી મોટી બ્રાન્ડ્સ સામે નિયમનકારી સંસ્થાઓ હવે કોઈપણ પ્રકારની નરમાાઈ દાખવવાના મૂડમાં નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
