JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

પ્રખ્યાત પેકેજ્ડ વોટર બ્રાન્ડ બિસ્લેરીના સેમ્પલમાંથી મળી આવ્યા કેન્સરકારક તત્વો, એફએસએસએઆઈ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ

પ્રખ્યાત પેકેજ્ડ વોટર બ્રાન્ડ બિસ્લેરીના સેમ્પલમાંથી મળી આવ્યા કેન્સરકારક તત્વો, એફએસએસએઆઈ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ
દેશની અગ્રણી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે ખાદ્ય સુરક્ષા નિયમનના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લેબોરેટરી તપાસ દરમિયાન પાણીના સેમ્પલમાંથી કેન્સરકારક પદાર્થો મળી આવતા ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે.

દેશના ખાદ્ય સુરક્ષા નિયામક FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બનાવતી અગ્રણી કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કંપનીના પ્લાન્ટમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવતા તે નિર્ધારિત ધોરણો પર ખરા ઉતર્યા નહોતા. સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદા કરતા વધુ હોવાનું જણાતા તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. FSSAI ની આ કડક કાર્યવાહીથી ખાદ્ય અને પેય પદાર્થોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

પ્રાથમિક તપાસ બાદ કંપનીએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને અપીલ કરી હતી, જેના પગલે તે સેમ્પલને વધુ ચકાસણી માટે રિફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જો કે, બીજી વખત થયેલી લેબ તપાસમાં પણ પરિણામ યથાવત રહ્યું હતું અને પાણી અસુરક્ષિત હોવાનું સાબિત થયું હતું. આ બીજા પરીક્ષણમાં પાણીની અંદર 'પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન' (PAHs) નામના હાનિકારક તત્વોની હાજરી પણ મળી આવી હતી. બ્રોમેટ અને PAHs બંને એવા જોખમી પદાર્થો છે જેને તબીબી વિજ્ઞાનમાં કેન્સરકારક (કાર્સિનોજેનિક) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને એફએસએસએઆઈએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે કાનૂની કાર્યવાહી મંજૂર કરી છે. આ ઉપરાંત, આ જ અભિયાન અંતર્ગત એફએસએસએઆઈએ અન્ય એક ખાદ્ય ઉત્પાદક 'આશા કન્ફેક્શનરી' સામે પણ કડક કાર્યવાહી કરી છે. તેમની ચોકલેટ-ફિલ્ડ કુકીઝમાં બિનઅધિકૃત રંગો અને નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં ટાર્ટ્રાઝિન મળી આવતા ઉત્પાદનને પરત ખેંચવાનો (પ્રોડક્ટ રીકોલ) આદેશ આપ્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી કંપનીઓ સામે નિયમનકારી સંસ્થાઓની આ સખ્તાઈ આવકારદાયક પગલું છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES