JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

ગણદેવીમાં ભરવાડ સમાજ દ્વારા યોજાયા ભવ્ય તુલસી વિવાહ, પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

ગણદેવીમાં ભરવાડ સમાજ દ્વારા યોજાયા ભવ્ય તુલસી વિવાહ, પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
નવસારીના ગણદેવી પંથકમાં દેવઊઠી એકાદશી નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા તુલસી વિવાહના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને માંગલિક પ્રસંગો સાથે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં દેવઊઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી આ દિવસે જાગૃત થાય છે અને શાલીગ્રામ સ્વરૂપે માતા તુલસી સાથે વિવાહ કરે છે. આ જ પવિત્ર પરંપરાને અનુસરીને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેરગામ લાલ ડુંગરી વિસ્તારમાં ભરવાડ સમાજ દ્વારા એક અનોખા અને ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલ ડુંગરી નિવાસી રામભાઈ સાજનભાઈ ડાંગરના પરિવાર દ્વારા પોતાની ઇષ્ટદેવી તુલસીમાતાના લગ્નનો આ માંગલિક પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર પંથકના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ભવ્ય આયોજનના ભાગરૂપે દેવઊઠી અગિયારસના દિવસે સવારથી જ લગ્નસંબંધી વિવિધ પરંપરાગત વિધિઓનો પ્રારંભ થયો હતો. હલ્દી (હળદર), ઘાણમુહૂર્ત અને ગ્રહશાંતિ જેવા માંગલિક પ્રસંગો શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયા હતા. ત્યારબાદ સાંજના સમયે ભૈયા ટેકરી અને વલોટી ગામના રાઘુ ભકાભાઈ સાટીયા સહિત સમસ્ત ભરવાડ સમાજના પરિવારો દ્વારા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન (ઠાકોરજી) ની શાહી જાન લઈને ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ખેરગામ ખાતે ઊભા કરાયેલા વિશાળ શામિયાણા અને લગ્ન મંડપમાં સેંકડો ભક્તો આ દિવ્ય લગ્ન પ્રસંગના સાક્ષી બન્યા હતા. ઢોલ-શરણાઈના સૂર, ડીજેના તાલે ગીત-સંગીત અને આકાશને ગુંજવતી ફટાકડાની રંગબેરંગી આતશબાજી વચ્ચે જાનૈયાઓ અને માંડવિયાઓ પરંપરાગત શૈલીમાં ઝૂમી ઉઠ્યા હતા.

આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને સફળ બનાવવા માટે ગણદેવી અને ચીખલી તાલુકાના સમસ્ત ભરવાડ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર્શનાર્થે આવતા મહેમાનો અને ભક્તોની આગતાસ્વાગતા તથા સેવા-સંભાળ માટે દેસુર તોગા, ભૂપત ગોકુળ, સામત કરશન, બાલાકાના, વાલા વશરામ, ભૂપત ભગત, દેવા ભીખા, નીતિન જેસા, કનુ રામા અને સાજન સામત પરમાર સહિતના યુવાનો ખડેપહેરે ઉપસ્થિત રહ્યા હતા. આ લોકમેળા જેવા માહોલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા તુલસી વિવાહે સમગ્ર વિસ્તારમાં અનેકવિધ આકર્ષણો જમાવ્યા હતા અને સનાતન સંસ્કૃતિના ઉત્સવની ભવ્ય ઝાંખી કરાવી હતી.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES