દેશમાં સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રચાર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલા એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. તાજેતરમાં મળેલી એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડેન્ગ્યુ, હેપેટાઈટીસ બી, એચઆઈવી અને મેલેરિયા જેવા ગંભીર ચેપી રોગોના નિદાન માટે ઉપયોગમાં લેવાતા 10 એલીસા રીડર અને એલીસા વોશર મશીન ખરીદવાની દરખાસ્તને આખરી મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ દ્વારા આ ખરીદી માટે ચોથી વખત રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી ઓછા ભાવ રજૂ કરનાર ગોવાની એજન્સીને આ ઓર્ડર મળ્યો છે. ખાસ વાત એ છે કે આ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવનારા આ તમામ મેડિકલ મશીનોની નિર્માતા કંપની ચીનની હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે, જેના પાછળ કુલ 46,72,500 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
તબીબી ક્ષેત્રે ઉત્તમ ગુણવત્તા અને ટેકનિકલ ચોકસાઈ જળવાઈ રહે તે હેતુથી આ ખરીદી પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનિકલ સ્ક્રુટિની રિપોર્ટ અને નિષ્ણાત તબીબોની સઘન ભલામણોના આધારે જ પાર પાડવામાં આવી છે. દરેક મશીનની કિંમત 4,67,250 રૂપિયા નક્કી કરાઈ છે અને આ તમામ મશીનો ચાર વર્ષની વ્યાપક વોરંટી સાથે કોર્પોરેશનને હસ્તગત થશે. એટલું જ નહીં, વોરંટીનો સમયગાળો પૂરો થયા બાદ પાંચમા વર્ષથી આઠમા વર્ષ સુધીના સમયગાળા માટે પ્રતિ મશીન 1,13,280 રૂપિયાનો કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (CMC) ચાર્જ પણ ચૂકવવો પડશે. ટેકનિકલ જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને તંત્રએ ચીની ઉપકરણોની પસંદગી કરી છે, પરંતુ દેશમાં ચાલી રહેલા સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં આ ખરીદી ભારે ચર્ચાનો વિષય બની છે.
આ તમામ મેડિકલ મશીનોનું વિતરણ શહેરના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ અર્બન હેલ્થ સેન્ટર્સ અને હોસ્પિટલોમાં કરવામાં આવશે. સાબરમતી, રખિયાલ, વસ્ત્રાલ, બહેરામપુરા, વિરાટનગર અને રાણીપ જેવા અર્બન હેલ્ચ સેન્ટર ઉપરાંત એલ.જી. જનરલ હોસ્પિટલના પેથોલોજી વિભાગ અને શારદાબેન હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આ મશીનો વસાવવામાં આવશે, જેનો ખર્ચ સંબંધિત આરોગ્ય વિભાગો અને હોસ્પિટલોના બજેટમાંથી ફાળવવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યની સંભવિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરને વધુ પાંચ વધારાના એલીસા મશીનો ખરીદવાની વિશેષ સત્તા પણ સોંપવામાં આવી છે, જેથી તબીબી સેવાઓમાં કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય.
