JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

મેંગલુરુ એરપોર્ટ પર મોટી હોનારત ટળી: ટેક-ઓફ સમયે ઈન્ડિગો વિમાનની પાંખમાંથી તણખા ઝરતા સર્જાઈ અફડાતફડી

મેંગલુરુ એરપોર્ટ પર મોટી હોનારત ટળી: ટેક-ઓફ સમયે ઈન્ડિગો વિમાનની પાંખમાંથી તણખા ઝરતા સર્જાઈ અફડાતફડી
સોમવારે સાંજે મેંગલુરુ એરપોર્ટ પર બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 229 મુસાફરો હેમખેમ બચી ગયા હતા.

સોમવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ મેંગલુરુ એરપોર્ટ પર એક ગંભીર દુર્ઘટના ટળતા એરપોર્ટ ઓથોરિટી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. બેંગલુરુ જવા માટે રનવે પર ટેક-ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટની પાંચમાંથી અચાનક તણખા ઝરતા જોવા મળ્યા હતા. આ ખતરનાક સ્થિતિને તાત્કાલિક પારખીને સતર્ક પાયલટે અસાધારણ સૂઝબૂઝ અને કુશળતા દાખવી હતી. તેમણે કોઈ જ વિલંબ કર્યા વિના ત્વરિત ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે થંભાવી દીધું હતું. સદનસીબે વિમાને હવામાં ઉડાન ભરી ન હતી, જેના કારણે એક મોટી સંભવિત હોનારત નિવારી શકાઈ હતી.

આ ફ્લાઈટમાં કુલ 229 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં કર્ણાટક ભાજપના પૂર્વ અધ્યક્ષ નલિન કુમાર કટીલ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ સામેલ હતી. પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું કડક પાલન કરીને વિમાનને સુરક્ષિત રીતે પાર્કિંગ બે સુધી પરત લાવ્યા હતા. ત્યારબાદ એરલાઈન્સની ટેકનિકલ એન્જિનિયરિંગ ટીમ દ્વારા વિમાનની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ વિમાનને 'એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય કે જ્યાં સુધી તમામ જરૂરી મરામત અને સત્તાવાર ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી આ વિમાન સેવામાં પાછું નહીં ફરે. સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓને પણ આ ઘટનાની વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે, જોકે ટેકનિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

ઘટના બાદ તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢીને એરલાઈન દ્વારા ઉત્તમ આતિથ્ય અને સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો. મુસાફરો માટે નાસ્તા-ભોજન, હોટલમાં આરામ અને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે જ મુસાફરી કરવા ઈચ્છુક ન હોય તેવા મુસાફરોને સંપૂર્ણ રિફંડની ઓફર પણ અપાઈ હતી. મંગળવારે મોડી રાત્રે 12:10 વાગ્યે મેંગલુરુથી રવાના થયેલી વૈકલ્પિક ફ્લાઈટમાં કુલ 229માંથી માત્ર 34 મુસાફરોએ જ પોતાની સફર ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું. એરપોર્ટ પર ક્ષણભર માટે સર્જાયેલી આ અફડાતફડી વચ્ચે પાયલટની સમયસૂચકતાના કારણે સેંકડો મુસાફરોના પ્રાણ બચી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES