મોરબીના ફ્લોરા ઇલેવન ખાતેથી ગત ભાઈબીજ એટલે કે 11 નવેમ્બરના રોજ મહિલાઓ, બાળકો, પુરુષો અને કિન્નર માસી સહિત કુલ 40 લોકોનો 'જય અંબે પદયાત્રા સંઘ' અંબાજી મંદિરે ધજા ચઢાવવા માટે રવાના થયો હતો. આ સંઘ જ્યારે મહેસાણા-બેચરાજી હાઇવે પર આવેલા ખારી નદીના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં એક સ્થાનિક વૃદ્ધને અચાનક ચક્કર આવ્યા હતા અને છાતીમાં તીવ્ર ગભરામણ ઉપડતાં તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને શું કરવું તે સમજાતું ન હતું.
આ મુશ્કેલ ઘડીમાં સંઘની સાથે ચાલી રહેલા કિન્નર સિમરન માસી ત્વરિત મદદે આગળ આવ્યા હતા અને તેમણે પોતાની માનસિક સ્થિરતા જાળવીને તાત્કાલિક વૃદ્ધને સીપીઆર (CPR) આપવાનું શરૂ કર્યું હતું. સિમરન માસીની આ સમયસૂચકતા અને માનવતાવાદી અભિગમને કારણે વૃદ્ધની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો. આ સાથે જ પદયાત્રિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને પણ જાણ કરવામાં આવી હતી, જેથી સમયસર તબીબી સહાય પણ મળી શકે.
ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમ દ્વારા વૃદ્ધને વધુ સારવાર આપવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો. 'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવત આ ઘટનામાં સાર્થક સાબિત થઈ હતી, જ્યાં એક સામાન્ય પદયાત્રામાં જોડાયેલા કિન્નર અજાણ્યા વૃદ્ધ માટે દેવદૂત સાબિત થયા. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકો અને સંઘના સભ્યોએ સિમરન માસીના આ સરાહનીય અને માનવતાવાદી કાર્યની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમને આશીર્વાદ આપ્યા હતા.
