રાજ્યના ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ (TPVD) દ્વારા હાથ ધરવામાં આવેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ મંજૂર થયેલા ડેવલપમેન્ટ પ્લાન (DP) અને ટીપી (TP) ના તમામ નકશા લોકેશન, સ્કીમ અને આયોજન તબક્કે ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં ઓનલાઈન મૂકવામાં આવશે. અત્યાર સુધી આ તમામ મહત્વની માહિતી અલગ-અલગ જગ્યાએ છૂટીછવાઈ ભૌતિક ફાઈલો, કેડ ડ્રોઈંગ્સ અને જીઆઈએસ રેકોર્ડ્સના સ્વરૂપમાં હતી, જે સામાન્ય નાગરિકો માટે શોધવી કે સમજવી ખૂબ જટિલ હતી. હવે આ બધો જ ડેટા એકત્રિત કરીને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાથી જમીન કે મિલકત રહેણાંક ઝોનમાં છે કે વાણિજ્યિક ઝોનમાં, આસપાસ નવો રસ્તો બનવાનો છે કે કેમ, અને પ્રોપર્ટી કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવે છે કે નહીં તે તમામ બાબતોની સચોટ માહિતી સરળતાથી મળી રહેશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પોર્ટલ પર દેખાડાતો નકશો જમીનની માલિકી કે સત્તાવાર ઝોનિંગ સ્ટેટસનું કોઈ કાનૂની પ્રમાણપત્ર ગણાશે નહીં.
આ વ્યાપક પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૨૬ જેટલી મુખ્ય પ્લાનિંગ ઓથોરિટીઝને આવરી લેવામાં આવી છે, જેમાં ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ૨,૦૧,૪૮૦ હેક્ટર અને નવા ટીપીએસ ડેટા માટે ૨,૬૨૩ હેક્ટર વિસ્તારને ડિજિટાઈઝ કરવામાં આવશે. આ ઉપરાંત, અગાઉના ૪૧૧ હયાત ટીપીએસ રેકોર્ડ્સનું નવા પ્લેટફોર્મ પર માઈગ્રેશન અને ૧૦૭ જૂના રેકોર્ડ્સનું અપગ્રેડેશન પણ હાથ ધરાશે, જેના માટે ૧૨ મહિનાનો કડક અમલીકરણ ટાર્ગેટ અને ૩ વર્ષના મેન્ટેનન્સનો સમયગાળો નક્કી કરાયો છે. આ ઓનલાઈન વ્યવસ્થા માત્ર નાગરિકો માટે જ નહીં, પરંતુ સરકારી અધિકારીઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે કારણ કે તેમાં ખાસ ડેશબોર્ડ, એનાલિટિકલ ટૂલ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. અધિકારીઓ આધુનિક ટૂલ્સની મદદથી રાજ્યભરની આયોજન પ્રવૃત્તિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી શકશે અને વિકાસ પ્રગતિની સરખામણી પણ સરળતાથી કરી શકશે.
સિસ્ટમને વધુ સચોટ અને ભૂલરહિત બનાવવા માટે આ પોર્ટલને મહેસૂલ વિભાગની જમીન રેકોર્ડ સિસ્ટમ, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અને સ્થાનિક નાગરિક સંસ્થાઓની જીઆઈએસ એપ્લિકેશનો સાથે જોડવામાં આવશે, જેથી ડેટા ડુપ્લીકેશન ઘટે અને વહીવટી સંકલન મજબૂત બને. ડેટાની સુરક્ષાને સર્વોપરી રાખીને પોર્ટલમાં અત્યંત કડક ધોરણો ગોઠવવામાં આવ્યા છે, જેમાં લાઈવ ડેટાબેઝમાં સીધા કે મનસ્વી ફેરફાર કરવાની કોઈને મંજૂરી રહેશે નહીં અને કોઈપણ અપડેટ માત્ર અધિકૃત પ્રક્રિયા બાદ જ થશે. રાજ્ય સરકાર આ ડેટા અને સોર્સ કોડની સંપૂર્ણ માલિકી જાળવશે તથા પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારનો ડેટા ભારતની બહાર મોકલવામાં આવશે નહીં.
