કુઆલાલંપુર ફૂટબોલ સ્ટેડિયમ ખાતે રમાયેલી એએફસી અંડર-૧૭ એશિયન કપ ૨૦૨૭ ક્વોલિફાયર મેચ દરમિયાન ભારત અને પેલેસ્ટાઇન વચ્ચેનો મુકાબલો ભારે રોમાંચક રહ્યો હતો, પરંતુ આ મેચ મેદાન પરના વિવાદને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતીય અંડર-૧૭ પુરૂષ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહેલા ડલ્લાલમુઓન ગંગ્ટે સામે પેલેસ્ટાઈનના મિડફીલ્ડર સોઈદાને કથિત રીતે જાતિવાદી ઈશારો કર્યો હતો. મેચના પ્રથમાર્ધની ઇન્જરી ટાઈમ દરમિયાન બનેલી આ ઘટનામાં પેલેસ્ટિનિયન ખેલાડીએ પોતાની નાક આગળ હાથ હલાવ્યો હતો, જેને કોમેન્ટેટર્સ અને દર્શકોએ દુર્ગંધ સૂચવતા અપમાનજનક જાતિવાદી રૂઢિપ્રયોગ તરીકે જોયો હતો. આ અસભ્ય વર્તનને કારણે ભારતીય કેપ્ટન ગંગ્ટેએ તાત્કાલિક મેદાન પર જ તેનો વિરોધ કર્યો હતો, જેને પગલે રેફરી કો મિનકુકે દરમિયાનગીરી કરીને બંને ખેલાડીઓને ચેતવણી આપી હતી.
આ ગંભીર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (AIFF) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) સમક્ષ સત્તાવાર રીતે કડક ફરિયાદ નોંધાવી છે. એઆઈએફએફે એએફસીને અપીલ કરી છે કે તેઓ ઉપલબ્ધ ફૂટેજની ઝીણવટભરી તપાસ કરે અને લાગુ પડતા નિયમો હેઠળ કસૂરવાર ખેલાડી સામે યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરે. ભારતીય ફૂટબોલ સંઘે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ફૂટબોલની રમત સન્માન, સમાનતા, ફેેરપ્લે અને સ્પોર્ટ્સમેનશિપના પાયા પર ઊભી છે અને રમતમાં કોઈપણ પ્રકારના જાતિવાદ કે ભેદભાવ માટે કોઈ સ્થાન નથી. આ ઉપરાંત, આ જ મેચમાં પેલેસ્ટાઇનના અન્ય એક ખેલાડી મોહમ્મદ જામહૌરને પણ ભારતીય ખેલાડી રાજ સિંહ વાહેંગબામને બે વાર લાત મારવાના ગંભીર ગુના બદલ પ્રથમાર્ધમાં જ સીધી રેડ કાર્ડ આપવામાં આવી હતી.
મેદાન પરના આ વિવાદો વચ્ચે ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન જારી રાખતાં પેલેસ્ટાઇન સામે ૪-૧ થી શાનદાર વિજય મેળવીને ગ્રુપ-ઇ માં પોતાની અપરાજિત સફર યથાવત રાખી છે. મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત દાખવી હતી, જેમાં આઠમી મિનિટે કામગૌહાઓ ડુંગેલે પ્રથમ ગૉલ ફટકારીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. જોકે, પેલેસ્ટાઈનના કેપ્ટન યઝાન ખલીફાએ ૩૨મી મિનિટે પેનલ્ટી દ્વારા ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો અને હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૧ ની બરાબરી પર રહ્યો હતો. બીજા હાફમાં વરસાદી વિધ્ન વચ્ચે પણ ભારતીય ટીમ સંપૂર્ણ નિયંત્રણમાં રહી હતી, જેમાં મુકુંદો સિંહ (૫૨મી મિનિટ), કેપ્ટન ડલ્લાલમુઓન ગંગ્ટે (૫૯મી મિનિટ) અને જોરામદિન્થારા લાલહુંમાવિયાએ (૮૯મી મિનિટ) ગોલ ફટકારીને ભારતની શાનદાર જીત પર મહો મારી હતી.
