ન્યુઝ ૧૮ રાઇઝિંગ ભારત સમિટના નોર્થ એડિશનમાં બોલતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિવાદાસ્પદ સૂત્રો 'બટેંગે તો કટેંગે' અને 'એક હૈં તો સેફ હૈં'નો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સૂત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સતર્કતા લાવવાનો છે અને તે કોઈ પ્રકારના ધ્રુવીકરણ માટે નથી. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યના ૧૫ થી ૨૭ વર્ષની વય જૂથના યુવાનોએ ખાસ કરીને એ જાણવું અનિવાર્ય છે કે એક દાયકા પહેલા ઉત્તર પ્રદેશની વાસ્તવિક પરિસ્થિતિ કેવી હતી અને તેમના વાલીઓએ કેવા મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો.
પૂર્વની સમાજવાદી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કરતા સીએમ યોગીએ અગાઉના શાસનકાળ દરમિયાન થયેલા તોફાનો, અરાજકતા, મહિલાઓની અસુરક્ષા અને જવહરબાગ હિંસા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અગાઉ રાજ્ય ઓળખની કટોકટીનો સામનો કરી રહ્યું હતું, જ્યારે વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ઉત્તર પ્રદેશ સંપૂર્ણપણે તોફાન અને કરફ્યુ મુક્ત બન્યું છે. ભૂતકાળની ભૂલો સુધારીને જ વર્તમાન સુરક્ષિત અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય તેમ જણાવી તેમણે યુવાનોને રાજ્યના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
આગામી રાજકીય રણનીતિ અને વિકાસ કાર્યો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારનું મુખ્ય ધ્યાન સુરક્ષા, રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર રહેશે. કોઈપણ જાતના તોડજોડ કે તુષ્ટિકરણ વગર પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. અયોધ્યા, કાશી વિશ્વનાથ કોરિડોર અને મથુરા-વ્રુન્દાવન સહિત ૪,૫૦૦ થી વધુ પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળોના પુનરુદ્ધારનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આસ્થાના કેન્દ્રો તેમની સરકાર માટે માત્ર ચૂંટણી એજન્ડા નથી પરંતુ શ્રદ્ધાનો વિષય છે.
