JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સાયલાના મદારગઢમાં કાળા પથ્થરની ગેરકાયદે ખાન પર પોલીસના દરોડા, રૂ. એક કરોડનો મુદ્દામાલ જપ્ત

સાયલાના મદારગઢમાં કાળા પથ્થરની ગેરકાયદે ખાન પર પોલીસના દરોડા, રૂ. એક કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદેસર કાળા પથ્થરની ખાણ પર પોલીસે ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧ કરોડ રૂપિયાની કિંમતના મશીનો જપ્ત કરીને ખનીજ વિભાગને સોંપ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સખત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સૂચનાઓને અનુસરીને નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને બી.એન. ગળચર સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કાળા પથ્થરની ખાન ખોદવામાં આવી રહી છે અને ત્યાં ખનીજ ખનનની પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક મદારગઢ ગામની સીમમાં આવેલ તે ખાનના વિસ્તાર પર દરોડો પાડ્યો હતો. પોલીસના અચાનક આગમનથી ખનન પ્રવૃતિ સાથે સંકળાયેલા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થળ પર તપાસ કરતાં ત્યાં ગેરકાયદે ખનનનું કામકાજ રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે આ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી ૧ બ્રેકર મશીન અને ૧ એક્સવેટર મશીન (પોકલેન) સહિત કુલ એક કરોડ રૂપિયાની કિંમતનો વિશાળ મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ગેરકાયદેસર ખનન અંગેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ વિભાગની ટીમને આ ઘટનાની સત્તાવાર જાણ કરી હતી. પોલીસની સૂચના મળતા જ ખનીજ વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પકડાયેલા બંને ભારે મશીનોને પોતાના કબજામાં લીધા હતા. ખનીજ વિભાગ દ્વારા આ મામલે આગળની કાયદેસરની ખાણચોરી વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી ગેરકાયદે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES