JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પડધરીના તરઘડી ગામે મકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગર ઝડપાઈ

પડધરીના તરઘડી ગામે મકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગર ઝડપાઈ
રાજકોટ જિલ્લાના પડધરી પોલીસે તરઘડી ગામે દરોડો પાડીને પોતાના જ મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને વેચાણ કરતી મહિલા બુટલેગરને ઝડપી લીધી છે. પોલીસે રૂા. ૭૯,૨૦૦ ની કિંમતનો દારૂ જપ્ત કરીને દારૂ સપ્લાય કરનાર મુખ્ય શખ્સની શોધખોળ શરૂ કરી છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત સક્રિય બની રહી છે. તાજેતરમાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ અને ખાનગી રાહે તપાસ હાથ ધરી રહ્યો હતો, તે દરમિયાન પોલીસકર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે તરઘડી ગામે ઉમિયા સ્કૂલની પાછળ રહેતી એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં જ વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો છુપાવીને છાનીછૂપી રીતે તેનું વેચાણ કરી રહી છે. આ સચોટ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે નીતિનિયમો મુજબ બાતમીવાળા મકાનમાં રેડ પાડવાની વ્યુહાત્મક તૈયારીઓ કરી લીધી હતી.

મળેલા બાતમીના આધારે પડધરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વસંતભાઈ ભુંડીયા, અબ્બાસભાઈ ભારમલ, સાગરભાઈ ખટાણા, નિકુલસિંહ ઝાલા અને મહિલા કોન્સ્ટેબલ આરતીબેન સદાદીયા સહિતના પોલીસ કાફલાએ તરઘડી ગામે ઉમિયા સ્કૂલ પાછળ આવેલા શંકાસ્પદ મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ ટીમ દ્વારા મકાનની તલાશી લેવામાં આવતા ઘરના અંદરના રૂમમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂમમાં પડેલી પેટીઓ ખોલીને તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૯૬ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂા. ૭૯,૨00 જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને ઘરમાં હાજર વર્ષાબેન મુકેશભાઈ શનીષરા (ઉ.વ. ૪૩) નામના મહિલા બુટલેગરની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલી મહિલાની સઘન પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો મોટો જથ્થો તેની સાથે હાથી મસાલાની ફેક્ટરી કે કામમાં સાથે કામ કરતા સંજય ઉર્ફે દિપક કાણોતરા નામનો શખ્સ તેને વેચાણ અર્થે આપી ગયો હતો. મહિલાની આ કબૂલાતના આધારે પોલીસે તરત જ ગુનો નોંધીને દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી સંજય દિપક કાણોતરાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક પોલીસ હવે આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES