રાજકોટ જિલ્લાના વીંછીયા પંથકમાં નશાના ગેરકાયદેસર કારોબારો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્થાનિક પોલીસે હાથ ધરેલી સઘન ડ્રાઇવ દરમિયાન વીંછીયાના છાસિયા અને ખારચીયા ગામની સીમમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી એક વાડીમાંથી સવશી બચુ મીઠાપરા નામના ૫૫ વર્ષીય ખેડૂતે ગેરકાયદેસર રીતે ઉગાડેલા ગાંજાના છોડ ઝડપાયા હતા. પોલીસે આ સ્થળેથી અંદાજે ૩.૫૨ કરોડ રૂપિયાની મસમોટી કિંમતનો ૭૦૫ કિલો ૪૯૦ ગ્રામ વજનનો લીલા ગાંજાનો જથ્થો કબજે કરીને આરોપીની કાયદેસરની ધરપકડ કરી છે.
આ કાર્યવાહીના ભાગરૂપે જ બીજા એક દરોડામાં વિંછીયા પોલીસે ખારચીયા ગામની સીમમાંથી કપાસના વાવેતરની વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ ઝડપી લીધા હતા. પભા મગન પંચાળા નામના ખેડૂતે કપાસના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું ખુલતા પોલીસે ૭.૨૨ લાખ રૂપિયાની કિંમતનો ૧૪.૪૫૦ કિલોગ્રામ ગાંજો જપ્ત કરી તેની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા આ માલ પ્રથમ વખત જ ઉગાડાયો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ આ કેસને માત્ર સ્થાનિક સ્તરનો નહીં પરંતુ કોઈ મોટા ડ્રગ્સ નેટવર્ક સાથે જોડીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આટલો મોટો જથ્થો કયા રીસીવરને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે ચાલુ વર્ષ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ ૪૫ જેટલા નોંધપાત્ર કેસો કરીને નશાના સોદાગરોની કમર ભાંગી નાખી છે. આગામી સમયમાં આ પંથકમાં માદક પદાર્થોના વાવેતર અને વેચાણને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ દ્વારા ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખેતરોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. કાયદાની કડક કાર્યવાહીથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
