JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

૪૭ વર્ષ પહેલાં સમુદ્રમાં ખોવાયેલી સ્કૂલ રિંગ શોધીને યુવકે અનોખી માનવતા દાખવી, ૩૦૦૦ માઇલ પ્રવાસ કરીને માલિકને સોંપી

૪૭ વર્ષ પહેલાં સમુદ્રમાં ખોવાયેલી સ્કૂલ રિંગ શોધીને યુવકે અનોખી માનવતા દાખવી, ૩૦૦૦ માઇલ પ્રવાસ કરીને માલિકને સોંપી
સિએટલના એક મેટલ ડિટેક્ટર શોખીને ૪૭ વર્ષ પૂર્વે વોશિંગ્ટન સમુદ્ર કિનારે ખોવાયેલી સ્કૂલ રિંગ શોધી કાઢી હતી. આ કિંમતી સ્મૃતિચિહ્ન પોસ્ટ દ્વારા મોકલવાને બદલે તેણે પોતે ૩૦૦૦ માઇલનો પ્રવાસ કરીને મૂળ માલિકને રૂબરૂ પરત કરી હતી.

વર્ષ ૧૯૭૯માં પોલ બેન્સન નામના યુવકની સ્કૂલની યાદગાર સોનાની વીંટી તેના ભાઈ એરિક દ્વારા વેસ્ટ કોસ્ટની સફર દરમિયાન વોશિંગ્ટનના પ્યુજેટ સાઉન્ડ નજીક દરિયા કિનારે ખોવાઈ ગઈ હતી. એરિકે મજાક-મસ્તીમાં તે વીંટી કાઢીને પથ્થર પર મૂકી હતી, પરંતુ ભરતી આવવાને કારણે પાણીના પ્રવાહમાં તે તણાઈ ગઈ હતી અને દાયકાઓ સુધી તેનું કોઈ નામનિશાન મળ્યું નહોતું. એરિકે ડર કે સંકોચવશ પોતાના ભાઈને આ ઘટના વિશે ક્યારેય જણાવ્યું પણ નહોતું, જેના કારણે આ કિંમતી વસ્તુ ભૂતકાળના પડછાયામાં દબાઈ ગઈ હતી. લાંબા સમય સુધી આ વાત માત્ર એક કમનસીબ કિસ્સો બનીને રહી ગઈ હતી જેને કોઈ ભૂલી ચૂક્યું હતું.

પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું અને નવેમ્બર ૨૦૨૫માં સિએટલના દરિયા કિનારે મેટલ ડિટેક્ટર સાથે શોષખોળ કરી રહેલા લુકાસ થ્રુન નામના યુવકને આ વીંટી અચાનક મળી આવી હતી. કિનારાની બદલાયેલી ભૌગોલિક સ્થિતિ અને રેતી ખસવાને કારણે આ અશક્ય લાગતી શોધ શક્ય બની હતી. વીંટી પર રહેલી સેન્ટ રાફેલ એકેડેમીની શાળાનું નામ અને 'PEB' પ્રારંભિક અક્ષરોના આધારે લુકાસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. શાળાના એલ્યુમની નેટવર્કની મદદથી તેણે વીંટીના મૂળ માલિક પોલ બેન્સનને શોધી કાઢ્યા હતા, જેઓ રોડ આઈલેન્ડના પટુકેટમાં રહે છે.

આ અદ્ભુત શોધ પછી લુકાસે એક અસાધારણ નિર્ણય લીધો અને વીંટી પાર્સલ કરવાને બદલે સિએટલથી રોડ આઈલેન્ડ સુધીનું આશરે ૩૦૦૦ માઇલનું અંતર જાતે કાપીને પોલ બેન્સનને રૂબરૂ વીંટી પરત કરી હતી. આ આશ્ચર્યજનક મિલનથી માત્ર પોલ જ નહીં, પરંતુ ઇઝરાયેલમાં રહેતા તેમના ભાઈ એરિક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ૪૭ વર્ષ જૂના વિસ્મરણ પામેલા સંબંધો અને પરિવારનું ફરીથી ભાવનાત્મક પુનઃમિલન થયું હતું. સેન્ટ રાફેલ એકેડેમીએ પણ લુકાસની આ નિઃસ્વાર્થ ભાવના અને અદભુત પ્રમાણિકતાનું સન્માન કરીને તેને પોતાની શાળાનો માનદ સભ્ય બનાવ્યો હતો.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES