અમેરિકાના મિઝોરી રાજ્યમાં આવેલી લિંકન યુનિવર્સિટી સામે શૈલા ગેસનર નામના પૂર્વ કર્મચારીએ કરેલા કાનૂની સંઘર્ષમાં અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. શૈલા ગેસનરે આરોપ લગાવ્યો હતો કે તે શ્વેત હોવાના કારણે યુનિવર્સિટી દ્વારા તેની સાથે પક્ષપાત કરવામાં આવ્યો હતો અને તેને નસ્લવાદી રીતે પ્રતિકૂળ કાર્યસ્થળ પૂરું પાડવામાં આવ્યું હતું. વર્ષ 1989થી યુનિવર્સિટી સાથે જોડાયેલા શૈલાએ વર્ષ 2013માં બમણું કામ સોંપાયા બાદ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને બે અલગ-અલગ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમનું કાર્યભાર લગભગ બમણો થઈ જવાથી તેઓ અઠવાડિયામાં 70થી 80 કલાક કામ કરવા મજબૂર બન્યા હતા, સામે પગારમાં નામમાત્રનો જ વધારો કરવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન અદાલતમાં એ વાત સામે આવી કે યુનિવર્સિટી દ્વારા બજેટની કટોકટીનું બહાનું ધરીને શૈલાનો પગાર વધારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ અન્ય અશ્વેત કર્મચારીઓને વગર જાહેરાતે ઉચ્ચ હોદ્દાઓ અને મોટા પ્રમાણમાં પગાર વધારા આપવામાં આવ્યા હતા. કંટાળીને શૈલાએ જૂન 2018માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને મિઝોરી હ્યુમન રાઇટ્સ એક્ટ હેઠળ યુનિવર્સિટી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં જ્યુરીએ શૈલાની તરફેણમાં ચુકાદો આપીને પ્રતિકૂળ કાર્યસ્થળના દાવા માટે વાસ્તવિક અને દંડરૂપી વળતર પેટે મોટી રકમ ફટકારી હતી.
યુનિવર્સિટીએ આ ચુકાદાને પડકાર્યો હતો, જેના પર મિઝોરી કોર્ટ ઓફ અપીલ્સે 17 નવેમ્બરે પોતાનો ચુકાદો જારી કર્યો હતો. અપીલ કોર્ટે પ્રતિકૂળ કાર્યસ્થળના દાવા હેઠળ અપાયેલું 6,31,000 ડોલરનું વળતર સંપૂર્ણપણે માન્ય રાખ્યું છે અને કાનૂની ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જો કે, નોકરી છોડવાની ફરજ પડવાના (કન્સ્ટ્રક્ટિવ ડિસ્ચાર્જ) દાવા સાથે જોડાયેલા વળતરના મુદ્દે જ્યુરીને આપવામાં આવેલી સૂચનાઓમાં તકનીકી ભૂલ હોવાનું જણાવીને કોર્ટે તે અંગેના વળતરને રદ કર્યું છે અને માત્ર તે જ મુદ્દા પર નવી ટ્રાયલનો આદેશ આપ્યો છે.
