JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરેન્દ્રનગરમાં ચિંતારૂપ ઘટના: માત્ર એક જ કલાકમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં લોકોએ જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગરમાં ચિંતારૂપ ઘટના: માત્ર એક જ કલાકમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં લોકોએ જીવન ટૂંકાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં માનસિક તણાવ, અભ્યાસનું ભારણ અને ત્રાસના કારણે એક જ કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમનસીબ ઘટનાઓનો સિલસિલો વણથંભ્યો છે, જ્યાં માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં ત્રણ વ્યક્તિઓએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પ્રથમ ઘટનામાં સંત સવૈયાના સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય અંજનાબેન ધીરજભાઈ વોરાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. એમબીએ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનાર અંજનાબેન તાજેતરની સ્પર્ધાત્મક પરીક્ષામાં થોડા ગુણોથી સરકારી નોકરી મેળવવાથી વંચિત રહ્યા હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી તીવ્ર ડિપ્રેશનમાં સરીપડ્યા હતા અને આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

આ જ ક્રમમાં બીજી ઘટના સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ પર બની હતી, જ્યાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા દેવકુમાર બાબુભાઈ સોલંકી નામના સગીરે પોતાના જ રૂમમાં અગમ્ય કારણોસર દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. નાની વયે જ વિદ્યાર્થી દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ છે, અને બી ડિવિઝન પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

ત્રીજી હૃદયદ્રાવક ઘટના જિલ્લાના રામપરા ગામે બની હતી, જ્યાં હેતલબેન અજીતભાઈ ઠાકોર નામની ૨૬ વર્ષીય પરિણીતાએ ઘરમાં જ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ અશ્વિન રામજીભાઈ ઠાકોર નામના શખ્સ સામે અસહ્ય ત્રાસ અને વિવિધ માગણીઓનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના કારણે માતાની છત્રછાયા ગુમાવનાર બે માસૂમ સંતાનો નિરાધાર બન્યા છે. પરિવારજનોએ ન્યાયની માગ સાથે જ્યાં સુધી આરોપી સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે પોલીસે આ તમામ મામલે ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES