રાજકોટ શહેરમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી અત્યંત શ્રદ્ધા, ભક્તિભાવ અને દિવ્ય ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ ના દિવ્ય મંત્રને સાર્થક કરતા આ પર્વ નિમિત્તે શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શ્રી રઘુવંશી યુવા ગ્રુપ (વોર્ડ નં. ૧૦) ના ઉત્સાહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૦ વર્ષની અખંડ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે આબેહૂબ ‘વિરપુરધામ’નું સર્જન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનને નિહાળવા અને બાપાના ચરણોમાં શિષ ઝૂકાવવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર પરિસરમાં અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન સાંજે ૬:૩૦ કલાકે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં હજારો ભાવિકોએ એકસૂરે ‘જય જલીયાણ’નો નાદ ગુંજવ્યો હતો. આરતી બાદ આયોજિત મહાપ્રસાદમાં હજારો ભક્તોએ બાપાના પ્રસાદનો લાભ લીધો હતો. વિશેષરૂપે, ભક્તોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની કાળજી રાખીને સમગ્ર મહાપ્રસાદ શુદ્ધ મિનરલ વોટરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વડીલો અને સિનિયર સિટીઝનોની સુવિધા માટે વિશેષ કાળજી રાખી તેમને ટેબલ-ખુરશી પર બેસાડીને સન્માનપૂર્વક પ્રસાદ પીરસવાની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
આ આધ્યાત્મિક મહોત્સવને વધુ રંગતસભર બનાવવા માટે સાંજે ૭:૦૦ વાગ્યાથી ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના લોકપ્રિય કલાકાર તેજશ શિસાંગિયાએ પોતાના મધુર કંઠે જલારામ બાપાના ભજનો અને સંતવાણી રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે મુન્નાભાઈ ઠક્કર, હિનાબેન કોટડીયા, આશિતભાઈ સોનપાલ, મયુર કોટક, મયુરીબેન ભાલારા અને હરિતાબેન ચંદારાણા જેવા નામાંકિત કલાકારોએ પણ પોતાની સૂરીલી ગાયકીથી ભક્તિરસ રેલાવ્યો હતો. મનોજ અને બિમલ દ્વારા પીરસવામાં આવેલી કર્ણપ્રિય સંગીતની સૂરાવલીઓએ સમગ્ર રાત્રિને યાદગાર બનાવી દીધી હતી.
