આધુનિક યુગમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને ઊંચા પગારવાળી નોકરી પાછળ દોડતી દુનિયામાં એક ચોંકાવનારો અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ૩૭ વર્ષીય અક્ષિતા જૈન પાસે આઈઆઈએમ (IIM) બેંગલુરુની પ્રતિષ્ઠિત ડિગ્રી હતી અને તે ફિયાટ, મર્સીડીઝ-બેન્ઝ તેમજ વોક્સવેગન જેવી વૈશ્વિક ઓટોમોબાઈલ દિગ્ગજ કંપનીઓમાં કામ કરી ચૂકી હતી. વોક્સવેગન કંપનીમાં તે વાર્ષિક અંદાજે ૫૦ લાખ રૂપિયાનું આકર્ષક પેકેજ મેળવી રહી હતી. આમ છતાં, લિમીટેડ અને વૈભવી જીવનશૈલીથી આગળ વધીને તેણે આધ્યાત્મિક માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
અક્ષિતાના આ ક્રાંતિકારી નિર્ણય પાછળ તેની ટેકનોલોજી સાથેની સફર અને આધ્યાત્મિક વિચારો મુખ્ય કારણ બન્યા હતા. કંપનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર કામ કરતી વખતે તેના મનમાં ડેટા સેન્ટરોના નિર્માણથી પર્યાવરણ પર થતી અસરો અંગે ચિંતા જાગી હતી. જમીનની ખોદકામ પ્રક્રિયા અને તેનાથી જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવોને પહોંચતા નુકસાન અંગેના વિચારોએ તેને અંદરથી હચમચાવી દીધી હતી. જૈન ધર્મના મૂળ સિદ્ધાંત એવા 'અહિંસા' (તમામ જીવો પ્રત્યે દયાભાવ) એ તેના જીવનની દિશા બદલી નાખી અને તેણે તમામ ભૌતિક મોહમાયા છોડીને સંયમનો માર્ગ પસંદ કર્યો છે.
આ આધ્યાત્મિક યાત્રામાં અક્ષિતા એકલી નથી, પરંતુ તેની ૬૧ વર્ષીય માતા શિરોમણી બજાજ પણ તેની સાથે જોડાઈ રહી છે. શિરોમણી બજાજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)માં ૩૭ વર્ષ સુધી સેવા આપી છે અને ઓક્ટોબર ૨૦૨૫માં ચીફ મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. પતિના અવસાન અને પારિવારિક જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તેઓ જૈન સાધ્વીઓના સંસર્ગમાં આવ્યા અને કઠિન ધાર્મિક અનુષ્ઠાનો પૂર્ણ કર્યા હતા. પરિવારની આ બંને મહિલાઓ હવે જોધપુરમાં યોજાનાર ભવ્ય વરઘોડા અને ચેન્નાઈમાં યોજાનારી દીક્ષા વિધિ દ્વારા સંસારના તમામ સંબંધો અને ભૌતિક ચીજવસ્તુઓનો કાયમ માટે ત્યાગ કરી જૈન સાધ્વી બનશે.
