ન્યૂયોર્ક સ્થિત પ્રખ્યાત પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા એક વિસ્તૃત અને ચોંકાવનારા જનસાंख्यિકીય અહેવાલે વૈશ્વિક સ્તરે ધાર્મિક સમીકરણો બદલાવ તરફ ઈશારો કર્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી ધાર્મિક વસ્તીવિષયક અભ્યાસ કરતી આ સંસ્થાના જણાવ્યા અનુસાર, જો હાલનો વસ્તી વધારાનો પ્રવાહ આ જ રીતે ચાલુ રહેશે તો વર્ષ ૨૦૩૫ સુધીમાં ઈસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે. અહેવાલના આંકડાઓ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૦માં વિશ્વમાં ૨.૨૭ અબજ ખ્રિસ્તીઓ અને ૨.૦૨ અબજ મુસ્લિમો હતા, પરંતુ ૨૦૩૫ સુધીમાં મુસ્લિમોની સંખ્યા વધીને ૨.૫૭ અબજ થઈ જશે જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા ૨.૫૨ અબજ પર પહોંચવાનો અંદાજ છે. આ અતિ ઝડપી વૃદ્ધિ દર જોતા વર્ષ ૨૦૭૦ સુધીમાં વૈશ્વિક સ્તરે મુસ્લિમ વસ્તી ૩.૬ અબજ અને ખ્રિસ્તી વસ્તી ૩ અબજથી થોડી ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંસ્થાના વરિષ્ઠ ડેમોગ્રાફર કોનરાડ હેકેટના મતે, ઈસ્લામ ધર્મની આ અસાધારણ વસ્તી વૃદ્ધિ પાછળ ધર્માંતરણ કરતાં મુખ્યત્વે ઊંચો પ્રજનન દર (ફર્ટિલિટી રેટ) જવાબદાર છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાનના આંકડાઓ પર નજર કરીએ તો, મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર પ્રતિ મહિલા સરેરાશ ૩.૧ બાળકો રહ્યો છે, જેની સામે ખ્રિસ્તી મહિલાઓનો દર ૨.૫ અને અન્ય તમામ ધર્મોનો સરેરાશ દર ૧.૬ જેટલો નોંધાયો છે. આગામી દાયકાઓમાં આ જનસાंख्यિકીય વલણને કારણે વૈશ્વિક વસ્તીના વધારામાં મુસ્લિમ વસ્તીનો ફાળો ૮૦ ટકા જેટલો રહેવાનું અનુમાન છે. આ વૈશ્વિક પરિવર્તનની અસર માત્ર એશિયા કે મધ્ય પૂર્વ સુધી સીમિત નથી પરંતુ પશ્ચિમી દેશોના સામાજિક માળખા પર પણ તેની ઊંડી અસર જોવા મળી રહી છે, જ્યાં આગામી સમયમાં ધાર્મિક સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે.
ખાસ કરીને પશ્ચિમી દેશોમાં બદલાતી સ્થિતિ જોઈએ તો, આગામી ૪૦ વર્ષમાં અમેરિકામાં ખ્રિસ્તીઓ બહુમતીમાં નહીં રહે અને કેનેડામાં પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં ખ્રિસ્તી વસ્તી ૫૦ ટકાથી ઓછી થઈ જવાની પ્રબળ સંભાવના છે. આ દેશોમાં કોઈપણ ધર્મમાં ન માનનારા એટલે કે નાસ્તિકો તથા બિન-ધાર્મિક લોકોની સંખ્યામાં થઈ રહેલો બેફામ વધારો આ ઘટાડાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે હિન્દુઓની કુલ સંખ્યામાં વધારો થવા છતાં વૈશ્વિક વસ્તીની ટકાવારીમાં તેમનો હિસ્સો ઘટશે, જ્યારે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની ઘટતી વસ્તીને કારણે બૌદ્ધ ધર્મીઓની સંખ્યા અને ટકાવારી બંનેમાં ઘટાડો નોંધાશે.
