JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

યુપીઆઈ પિન નાખવો એટલે ગ્રાહકની મંજૂરી નહીં: એસબીઆઈને ફ્રોડના નાણાં પરત કરવાનો આદેશ

યુપીઆઈ પિન નાખવો એટલે ગ્રાહકની મંજૂરી નહીં: એસબીઆઈને ફ્રોડના નાણાં પરત કરવાનો આદેશ
તેલંગણા ગ્રાહક આયોગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર યુપીઆઈ પિન દાખલ કરવાથી ગ્રાહકની મંજૂરી સાબિત થતી નથી. આયોગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાના ૫૫,૦૦૦ રૂપિયા વળતર સાથે પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ડિજિટલ બેન્કિંગ યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ગ્રાહકોના અધિકારોને સુરક્ષિત કરતા એક સીમાચિહ્નરૂપ કેસમાં તેલંગણા રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે બેંકોની જવાબદારી નક્કી કરી છે. આ મામલો ૪૪ વર્ષીય તેલંગણાની એક મહિલા સાથે સંકળાયેલો છે, જેના બેંક ખાતામાંથી ૩ નવેમ્બર, ૨૦૨૨ના રોજ યુપીઆઈ દ્વારા અજાણતાં જ ૫૫,૦૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. મહિલાએ સખત દાવો કર્યો હતો કે તેણે ક્યારેય આ ટ્રાન્ઝેક્શન કર્યું ન હતું, ન તો કોઈને નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી અને ન તો પોતાની કોઈ પણ ગુપ્ત બેન્કિંગ માહિતી કે પાસવર્ડ અન્ય કોઈની સાથે શેર કર્યો હતો. આ ગેરકાયદેસર વ્યવહાર બાદ મહિલાએ ભારે માનસિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બેંક તરફથી તેને કોઈ જ સંતોષકારક સહકાર કે નાણાં પરત મળ્યા ન હતા.

આ ગંભીર છેતરપિંડી સામે લડત આપતા પીડિત મહિલાએ સમયસર યોગ્ય કાયદાકીય પગલાં લીધા હતા. ઘટનાના માત્ર ત્રણ દિવસ બાદ એટલે કે ૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ તેણે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી અને તેના બીજા જ દિવસે એટલે કે ૭ નવેમ્બરે એસબીઆઈની સંબંધિત શાખામાં પણ લેખિત ફરિયાદ આપી હતી, ત્યારબાદ આ કેસમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. આમ છતાં બેંકે પોતાની જવાબદારી ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે આખરે ગ્રાહક આયોગ સુધી પહોંચ્યો હતો.

રાજ્ય ગ્રાહક આયોગે સમગ્ર કેસની ગંભીરતાથી સુનાવણી કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કસૂરવાર ઠેરવી હતી. આયોગે સ્પષ્ટપણે જણાવ્યું કે માત્ર યુપીઆઈ પિન નાખવો કે ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ થવી એ વાતનો પુરાવો નથી કે ગ્રાહકે જ સ્વેચ્છાએ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી છે. આ બેદરકારી બદલ આયોગે એસબીઆઈને ફ્રોડના ૫૫,૦૦૦ રૂપિયા તો પરત આપવા જ પડશે, સાથે જ સેવામાં બેદરકારી બદલ ૨૦,૦০০ રૂપિયા વળતર અને કેસના ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા એટલે કે કુલ ૮૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઐતિહાસિક આદેશથી ડિજિટલ ફ્રોડનો ભોગ બનતા લાખો ગ્રાહકોને મોટી ન્યાયિક રાહત મળી છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES