JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

ભાવનગરમાં જૈન સાધ્વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજના ૫૦૦ આયંબિલ તપના પારણા મહોત્સવની ભવ્ય તૈયારીઓ

ભાવનગરમાં જૈન સાધ્વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજના ૫૦૦ આયંબિલ તપના પારણા મહોત્સવની ભવ્ય તૈયારીઓ
ભાવનગર ખાતે આચાર્ય વિજય વિજ્ઞાનપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુંવર્તી સાધ્વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજના ૫૦૦ આયંબિલ તપની પૂર્ણાહુતિ નિમિત્તે આગામી ૨૦ નવેમ્બરના રોજ ભવ્ય પારણા મહોત્સવ યોજાશે, જેને લઈને જૈન સંઘમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જૈન ધર્મમાં તપ અને આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે ભાવનગરના આંગણે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય દેવ કેસરસુરીશ્ર્વરજી મહારાજ સાહેબના સમુદાયના કુશળ માર્ગદર્શન હેઠળ, સરળ સ્વભાવી સાધ્વીજી ગુણસેના શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા એવા સાધ્વીજી જીનાગમનિધિ શ્રીજી મહારાજ સાહેબે કઠિન એવા ૫૦૦ આયંબિલ તપની આરાધના સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ દીર્ઘ તપશ્ચર્યાના પારણા માટે સમગ્ર ભાવનગરના મૂર્તિપૂજક કૃષ્ણનગર વિભાગ જૈન સંઘ દ્વારા તડામાર અને ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અનેક ધર્મપ્રેમી ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

સાધ્વીજી ભગવંતે અગાઉ પણ વર્ષીતપ, માસ ક્ષમણ, સિદ્ધિતપ, ગિરનારજીની ૯૯ યાત્રા તથા અઠ્ઠાઇ જેવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરીને આત્મસાધનાની ઊંચી મિલો સર કરી છે. આ ૫૦૦ આયંબિલ તપના પવિત્ર અવસરને અનુલક્ષીને ૧૭ થી ૨૧ નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને માંગલિક અનુષ્ઠાનોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તામર ભક્તિ અનુષ્ઠાન, શાંતિદાયક શાંતિધારા અભિષેક, કે.સી. પૂજામંડળ તથા તૃપ્તિ મંડળની સાંજી, પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજા અને ભવ્ય સ્નાત્ર પૂજા જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેનો લાભ અનેક શ્રાવક-શ્રાવિકાઓ લઈ રહ્યા છે.

મહોત્સવના મુખ્ય દિવસે એટલે કે ૨૦ નવેમ્બર, શુક્રવારના રોજ સવારે ૬:૩૦ કલાકે પ.પૂ. ગચ્છનાયક શ્રી આચાર્ય ભગવંત, મુનિ ભગવંતો, તપસ્વી સાધ્વીજી મહારાજ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે લાભાર્થીના ગૃહ ખાતે સાધ્વીજીના પાવન પગલાં થશે. આ ભવ્ય પારણા મહોત્સવને સફળ બનાવવા રાજકોટના જૈન અગ્રણી ભરતભાઈ મહેતા અને રજનીભાઈ મહેતા સહિત સમગ્ર ચતુર્વિધ સંઘ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. આ આયોજનથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES