રાજકોટમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી આ વર્ષે અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. બોલબાલા ફાઉન્ડેશન અને ડો. યશવંત ગોસ્વામી અભિવાદન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાકીય મહોત્સવમાં સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની ચિંતા કરવામાં આવી હતી. બોલબાલા ટ્રસ્ટ અને ફાઉન્ડેશનના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન અને સક્રિય સંકલન હેઠળ આ ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી અનેક પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત શહેરના લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલા બોલબાલા લક્ષ્મીવાડી મહાદેવ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે ૫૦૦ જેટલી જરૂરિયાતમંદ બહેનોને સાડી, ફરસાણ, મીઠાઈ, અનાજ અને શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી સજ્જ વિશેષ રાશન કિટ પ્રેમપૂર્વક ભેટ આપવામાં આવી હતી. આ બહેનોના આશીર્વાદ મેળવીને આખોય માહોલ વત્સલ્ય અને ભક્તિમય બની ગયો હતો. માત્ર કિટ વિતરણ જ નહીં, પરંતુ ઉપસ્થિત તમામ ભાવિકો અને જરૂરિયાતમંદો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સેંકડો લોકોએ લાભ લીધો હતો.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું. બોલબાલા સિનિયર સિટીઝન કમિટીના સભ્યો, ટ્રસ્ટનો સમર્પિત સ્ટાફ, ધૂનમંડળના બહેનો તેમજ બોલબાલા બાલસંસ્કાર કેન્દ્રના નાના બાળકોએ પણ ખભે-ખભો મિલાવીને ભાવિકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ પીરસ્યો હતો. આ પવિત્ર અવસરે આર.ટી.ઓ. અધિકારી જે.વી. શાહ, ટ્રસ્ટીઓ હિતેષભાઈ પોપટ, સુનિલભાઈ રાવલ, નિતિનભાઈ ભગદેવ તેમજ જીજ્ઞેશભાઈ રાઠોડ અને સંગીતાબેન સહિતના અનેક અગ્રણીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહીને આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.
