JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

મોરબીમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભક્તિસભર ઉજવણી, પંચવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભક્તિસભર ઉજવણી, પંચવિધ કાર્યક્રમો યોજાયા
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે મોરબીના જલારામ ધામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે પ્રભાતધૂન, કેક કટીંગ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના પંચવિધ કાર્યક્રમો યોજાતા દેશ-વિદેશના ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિના પાવન અવસરે સમગ્ર દેશ અને વિદેશમાં વસતા ભક્તજનોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારતક સુદ સાતમના આ પવિત્ર દિવસે મોરબીના પ્રખ્યાત જલારામ ધામ ખાતે બાપાના જન્મોત્સવની ખૂબ જ ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ધાર્મિક અને ઉત્સવનું વાતાવારણ જામ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તોએ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી.

આ ભવ્ય મહોત્સવની શરૂઆત વહેલી સવારે પ્રભાતધૂન અને ભક્તિસભર અન્નકૂટ દર્શનથી કરવામાં આવી હતી, જેણે આખા વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું. ત્યારબાદ વિશેષ પરંપરાગત આયોજન મુજબ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નિર્મલભાઈ જારીયા, શહેર ભાજપના પ્રમુખ નૈમિશભાઈ પંડિત તેમજ પ્રમુખ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જલારામ ધામની આ ખાસ વિશેષતા રહી છે કે દર વર્ષે જલારામ જયંતિ પર સમાજની વિવિધ અતિથિ વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરીને તેમના જ હસ્તે કેક કટીંગ કરાવવામાં આવે છે, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કેક કટીંગ બાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ હરિભક્તોએ એકસૂરે બાપાની આરતી ઉતારીને વાતાવરણને ગુંજતું કર્યું હતું. મહાઆરતી બાદ પધારેલા તમામ ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર પંચવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરીશભાઈ ઘેલાણી, હરેશભાઈ રાજા, હસમુખભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ અને ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવીને ઉત્કૃષ્ટ આયોજન પાર પાડ્યું હતું.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES