રાજકોટ-અમદાવાદ હાઈવે પર બાવળા નજીક આવેલ ગુજરાતનું પ્રખ્યાત અને ઐતિહાસિક જૈન તીર્થધામ 'સાવત્થી' ખાતે વર્ષાકાલીન આરાધનાના વિશેષ ઉપલક્ષ્યમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24મીના રોજ બુધવારના રોજ યોજાનાર આ મહોત્સવમાં જિનશાસન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રીમદ્ વિજય ભુવન સૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર દૈવી સ્વપ્નના સંકેતથી નિર્માણ પામેલ સાવત્થી તીર્થના સર્જક તથા પ્રતિષ્ઠાચાર્ય, ઉપસર્ગ વિજેતા, તપાગચ્છાચાર્ય પરમ વંદનીય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની સાથે અખંડ ગુરુસેવા સમર્પિત અને શિલ્પકલા નિપુણ મુનિશ્રી અજિતચંદ્ર વિજયજી મહારાજ તેમજ મુનિશ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ આદિ ઠાણાની પાવન નિશ્રા આ સમગ્ર આયોજનને વધુ દૈવી અને પ્રભાવશાળી બનાવશે.
આ ભવ્યાતિભવ્ય મહોત્સવ અંતર્ગત આશરે 21 જેટલા ગુરુભક્તો દ્વારા શ્રી સિદ્ધાચલજી, શ્રી ગિરનારજી અને શ્રી સમ્મેત શિખરજીના પટ્ટદર્શન સમક્ષ વિશેષ ખમાસમણા અર્પણ કરવામાં આવશે. કારતક સુદ પૂર્ણિમાના ચાતુર્માસ પરિવર્તનના આ પવિત્ર દિવસે જૈન ધર્મના મહાન તીર્થોના પટ્ટ દર્શન અને નવ્વાણુ પ્રકારી મહાપૂજાના પાવન અનુષ્ઠાન સાથે ભવ્ય સાધર્મિક ભક્તિનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવ અને મહાપૂજાના વિધિવત લાભ પુનાના જાણીતા અનિલભાઈ શાંતિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યા છે, જેમાં ચારૂબેન અનિલભાઈ શાહ, અંકિતભાઈ, શ્રીમતી મિકીબેન અને કુમારી દ્વિયા અંકિતભાઈ શાહ સહભાગી બની ધન્યતા અનુભવશે.
આ પ્રકારના ભવ્ય આયોજનોથી જૈન સંઘમાં ઉત્સાહ અને આરાધનાનું વાતાવરણ જામ્યું છે, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અલૌકિક અવસરે ઉપસ્થિત રહીને ધાર્મિક લાભ લેવા આતુર છે. તીર્થધામ ખાતે આંતરિક સજાવટ અને પૂજા-આરાધના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેનાથી સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. ગુરુભગવંતોના સાંનિધ્યમાં યોજાનાર આ મહોત્સવ જૈનાગમ અને તીર્થભક્તિના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય બની રહેશે.
