JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાની જન્મજયંતિ: વિશ્વભરમાં ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી

આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાની જન્મજયંતિ: વિશ્વભરમાં ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી
આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં જન્મેલા આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરના લાખો ભક્તો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. શિરડીના સાંઈબાબાના અવતાર તરીકે પૂજનીયા બાબાના જીવન અને કાર્યો આજે પણ માનવતા માટે પ્રેરણારૂપ છે.

આંધ્રપ્રદેશના ચિત્રાવતી નદીના કિનારે વસેલા નાનકડા પુટ્ટપર્થી ગામમાં ૨૩ નવેમ્બર ૧૯२૬ના રોજ ભારદ્વાજ ગોત્રમાં જન્મેલા સત્ય સાંઈબાબાનું બાળપણનું નામ રાજુ હતું. શિરડીના સાંઈબાબાના પુનર્જન્મ તરીકે શ્રદ્ધાળુઓમાં અતૂટ આસ્થા ધરાવતા બાબાએ નાનપણથી જ ચમત્કારો દ્વારા સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. ભલે તેમણે ઔપચારિક શિક્ષણ વધુ નહોતું લીધું, છતાં તેઓ અનેક ભાષાઓના જ્ઞાતા હતા અને નાની વયે જ હવામાં હાથ ફેરવીને વિભૂતિ, વીંટી, લોકેટ તથા ફળો પ્રગટ કરવાની તેમની શક્તિ અલૌકિક હતી. તેઓ આફ્રિકાના કંપાલા સિવાય ક્યારેય વિદેશ યાત્રાએ ગયા નહોતા, તેમ છતાં તેમની વૈશ્વિક ખ્યાતિને કારણે દુનિયાભરમાંથી અસંખ્ય ભક્તો પુટ્ટપર્થીના 'પ્રશાંતિ નિલયમ' ખાતે ખેંચાઈ આવતા હતા.

બાબાના આધ્યાત્મિક પ્રભાવ હેઠળ દેશ-વિદેશના ખ્યાતનામ ફિલ્મ કલાકારો, સંગીતકારો, દિગ્ગજ ક્રિકેટરો અને રાજકીય નેતાઓ પણ નમ્રભાવે જોડાયેલા રહ્યા છે. જામનગરના રાજમાતા ગુલાબકુંવરબા પણ તેમના પ્રખર ભક્તોમાં સ્થાન ધરાવતા હતા. ભલે આજે બાબા ભૌતિક દેહ સ્વરૂપે ઉપસ્થિત નથી, પરંતુ પુટ્ટપર્થી સ્થિત તેમની સમાધિ અને વિશ્વભરમાં ફેલાયેલા તેમના આશ્રમો તથા કેન્દ્રો પર ભક્તોની ભીડ હંમેશાં જોવા મળે છે. પુટ્ટપર્થી ઉપરાંત ઉનાળા દરમિયાન તેઓ ૧૫ કિમી દૂર આવેલા વ્હાઈટ ફીલ્ડ ખાતે નિવાસ કરતા હતા. માનવસેવા અને પરોપકારના કાર્યોને વરેલા તેમના વિચારો આજે પણ માનવજાતને સત્પથ પર ચાલવાની પ્રેરણા પૂરી પાડે છે.

ગુજરાતના રાજકોટ શહેરમાં પણ સત્ય સાંઈબાબાના ઉપાસકો દ્વારા નિયમિતપણે વિવિધ ધાર્મિક અને સેવાકીય આયોજનો કરવામાં આવે છે. કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટીની પાછળ સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ કાર્યરત છે, જે દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ ઉપરાંત, રવિવારે સાંઈ સંકીર્તન અને જંક્શન પ્લોટ સ્થિત કેન્દ્રમાં દર બુધવારે ભજનોનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવે છે. સત્ય સાંઈ કૃષ્ણ હોલ ખાતે યોજાતા સમયાંતરે લક્ષાર્ચનના કાર્યક્રમો ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. બાબાના વચન મુજબ "જ્યાં સુધી હું બોલાવું નહીં ત્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રશાંતિ નિલયમ આવી શકશે નહીં" ની ઉક્તિને સાર્થક કરતા ભક્તો આજે પણ અગાધ શ્રદ્ધા સાથે તેમને યાદ કરે છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES