JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પાટણના દેલમાલ ગામે દારૂ અને જુગારના અડ્ડાઓ સામે મહિલાઓનો રૌદ્રાવતાર, કલેક્ટરને લેખિત રજૂઆત

પાટણના દેલમાલ ગામે દારૂ અને જુગારના અડ્ડાઓ સામે મહિલાઓનો રૌદ્રાવતાર, કલેક્ટરને લેખિત રજૂઆત
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ત્રસ્ત મહિલાઓએ સરપંચની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડીને આ અડ્ડાઓ કાયમ માટે બંધ કરાવવા ઉગ્ર માંગ કરી છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલું દેલમાલ ગામ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં આવ્યું છે. ગામમાં બેફામ રીતે ધમધમી રહેલા દારૂ અને જુગારના કથિત અડ્ડાઓને કારણે સમગ્ર ગામનું શાંત વાતાવરણ જોખમાઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યાથી પરેશાન થઈને ગુરુવારે ગામની મહિલાઓ એકત્ર થઈ હતી અને મહિલા સરપંચની આગેવાની હેઠળ સીધી પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. મહિલાઓએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે આ દૂષણને ડામી દેવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમના દેલમાલ ગામમાં પૌરાણિક ધાર્મિક મંદિરો તેમજ આદરણીય દરગાહ પણ આવેલી છે, જેના કારણે રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવતા હોય છે. પરંતુ ગામમાં જ ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓના કારણે આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આટલું જ નહીં, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે ગામના યુવાધનનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને નાની વયના યુવાનો નશાની ઘાતક લતનો ભોગ બનીને ગુનાખોરી તરફ વળી રહ્યા છે, જેનાથી ગ્રામીણ પરિવારો ભારે ચિંતામાં મૂકાયા છે.

મહિલાઓની આ ઉગ્ર રજૂઆત બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે, અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જીગર પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ, બીટ જમાદાર તેમજ ડી-સ્ટાફ દ્વારા અવારનવાર દેલમાલ ગામમાં સઘન રેડ પાડવામાં આવે છે. થોડા સમય અગાઉ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી)ની વિશેષ ઉપસ્થિતિમાં પણ આ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે ખાતરી આપી છે કે આગામી સમયમાં આ બદીને મૂળમાંથી નેસ્તનાબુદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે અને જો નાગરિકોને પણ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવે તો ત્વરિત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES