JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અમેરિકામાં કેએફસી (KFC) ના મોટા ફ્રેન્ચાઈઝીએ નાદારી નોંધાવી, વધુ આઉટલેટ્સ બંધ થવાની સંભાવના

અમેરિકામાં કેએફસી (KFC) ના મોટા ફ્રેન્ચાઈઝીએ નાદારી નોંધાવી, વધુ આઉટલેટ્સ બંધ થવાની સંભાવના
વધતા ખર્ચ અને ઘટી રહેલા વેચાણને કારણે અમેરિકામાં કેએફસીનું સંચાલન કરતી મુખ્ય ફ્રેન્ચાઈઝી કંપની 'ટેસ્ટી ચિક'ન' એ નાદારી નોંધાવી છે. કંપનીએ વ્યવસાયિક પુનર્ગઠન માટે કોર્ટના શરણે જવું પડ્યું છે જેના કારણે આગામી સમયમાં વધુ રેસ્ટોરન્ટ્સ બંધ થઈ શકે છે.

અમેરિકાના દસ રાજ્યોમાં કેએફસી (KFC) અને ટેકો બેલ (Taco Bell) ના રેસ્ટોરન્ટ્સનું સંચાલન કરતી અગ્રણી ફ્રેન્ચાઈઝી કંપની 'ટેસ્ટી ચિક'ન એલએલસી' (Tasty Chick’n LLC) એ ગંભીર નાણાકીય કટોકટીના કારણે નાદારી સુરક્ષા માટે અરજી કરી છે. ફ્લોરિડા, ટેનેસી અને વર્જિનિયા સહિતના દસ રાજ્યોમાં કુલ ૭૫ કેએફસી આઉટલેટ્સ અને ૯ કો-બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ્સ ચલાવતી આ કંપની હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, આ ફ્રેન્ચાઈઝીએ પેરન્ટ કંપની 'યમ બ્રાન્ડ્સ' (Yum Brands Inc) ને રોયલ્ટી પેટે અંદાજે ૧૬ મિલિયન ડોલરની રકમ ચૂકવવાની બાકી છે, જે કંપનીની કથળેલી નાણાકીય સ્થિતિની સાક્ષી પૂરે છે.

વધતા જતા ઓપરેટિંગ ખર્ચ અને ગ્રાહકોની ઘટતી જતી સંખ્યાના કારણે આ કંપનીએ આ વર્ષની શરૂઆતથી જ પોતાના ૪૪ આઉટલેટ્સ પહેલેથી જ કાયમ માટે બંધ કરી દીધા છે. 'યમ બ્રાન્ડ્સ' સાથેના ફ્રેન્ચાઈઝી કરારને તુરંત રદ થતો અટકાવવા માટે કંપનીએ અમેરિકાના નાદારી કાયદા હેઠળ 'ચેપ્ટર ૧૧' (Chapter 11) અંતર્ગત સુરક્ષા માંગી છે. આ કાયદાકીય પ્રક્રિયાનો હેતુ વ્યવસાયને બંધ કર્યા વગર તેના દેવા અને ઓપરેશન્સનું પુનર્ગઠન કરવાનો હોય છે. જો કે, આ અચાનક બંધ કરાયેલા આઉટલેટ્સને કારણે કેએફસી બ્રાન્ડની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે અને સ્થાનિક બજારોમાં ગ્રાહકોનો વિશ્વાસ પણ ડામાડોળ થયો હોવાનું પેરન્ટ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ વર્તમાન કટોકટી માત્ર કેએફસી પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોમાં અમેરિકાની અન્ય મોટી ફૂડ ચેઈન જેવી કે 'આઉટબેક સ્ટેકહાઉસ' અને 'વેન્ડીઝ' ના ફ્રેન્ચાઈઝી પણ નાદારી નોંધાવી ચૂક્યા છે, જે હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રી સામેના વધતા આર્થિક પડકારો દર્શાવે છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે 'ટેસ્ટી ચિક'ન' કંપનીમાં કામ કરતા ૧,૬૦૦ થી વધુ કર્મચારીઓની રોજગારી પર પણ પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે, જેમાં મોટાભાગના પૂર્ણ સમયના કામદારો છે. કંપનીએ કોર્ટમાં અરજી કરીને સ્પષ્ટ કર્યું છે કે તે ચેપ્ટર ૧૧ હેઠળ કામગીરી ચાલુ રાખીને કર્મચારીઓના વેતન અને અન્ય જરૂરી ખર્ચાઓ નિયમિતપણે ચૂકવવા માટે કટિબદ્ધ છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES