સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા અંતર્ગત થાન-૧૦ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કૂકની મહત્વપૂર્ણ જગ્યા ભરવા માટે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ રોજગારી મેળવવા ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકોએ મામલતદાર કચેરી, થાનગઢ ખાતેથી રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. તમામ જરૂરી વિગતો ભરીને આ ફોર્મ સંબંધિત કચેરીમાં નિયત તારીખ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
આ પદ માટે ઉમેદવારની ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે, જ્યારે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પાસ હોવું જરૂરી છે. જો કે, સ્થાનિક સ્તરે ધોરણ-૧૦ પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો ધોરણ-૭ પાસ ઉમેદવારને પણ છૂટછાટ આપવામાં આવશે. અરજી સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, માર્કશીટ, જાતિનો દાખલો, પોલીસ વેરીફિકેશન સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને સ્થાનિક રહેઠાણના પુરાવા જેવા અગત્યના દસ્તાવેજો જોડવાના રહેશે. મધ્યાહન ભોજન યોજનાના કમિશનરશ્રીના નિયમો મુજબ જ પ્રથમ પસંદગી કરવામાં આવશે.
તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ, રાજકીય લાગ-વગ ધરાવતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ, સસ્તા અનાજના પરવાનેદારો તેમજ ચોક્કસ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ આ પદ માટે અપાત્ર ગણાશે. લાયક ઠરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લેખિત જાણ કરવામાં આવશે, જેમાં તેમણે સ્વખર્ચે અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. સમયસર હાજરી ન આપનાર ઉમેદવારની અરજી રદ થવાની પાત્રતા રહેશે તેમ થાનગઢ મામલતદારશ્રીની અખબારી યાદીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
