નર્મદા જિલ્લાના દેડિયાપાડા નજીક આવેલા જાનકી આશ્રમ ખાતે આદિવાસી સમાજના મહાનાયક અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ચાલી રહેલા 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની પૂર્ણાહુતિ ભવ્ય મહિલા સંમેલન સાથે કરવામાં આવી હતી. આ સંમેલનમાં દેડિયાપાડા, ચીકદા અને સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોએ ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને રાષ્ટ્રના વિકાસમાં જનજાતીય સમાજના યોગદાનને ઉજાગર કરતા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેની શાનદાર પૂર્ણાહુતિ આ મહિલા સંમેલન દ્વારા થઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં મહિલા સશક્તિકરણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર અને આત્મસન્માન માટે ઐતિહાસિક લડત લડી હતી. વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે. તેમણે બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો કે તેઓ શિક્ષણને પ્રાથમિકતા આપીને દ્રઢ મનોબળ સાથે જીવનમાં આગળ વધે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પણ સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી આર્થિક સ્વાવલંબન માટે પ્રેરણા પૂરી પાડી હતી.
સંમેલનનું મુખ્ય આકર્ષણ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનું રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ્ હસ્તે 'વહાલી દીકરી યોજના', 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' અને 'ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના' સહિતની મહત્વપૂર્ણ યોજનાઓના મંજૂરી હુકમો લાભાર્થી મહિલાઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ ગરિમાપૂર્ણ અવસરે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ વસાવા, ખોખરાઉંમરના સરપંચ અનિતાબેન વસાવા સહિતના સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.
