જામનગર શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સ હવે પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે. આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં આ ત્રણેય પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈને જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેના કારણે જામનગરવાસીઓને રોજિંદા જીવનમાં નડતી મોટી સમસ્યાઓમાંથી કાયમી છુટકારો મળશે. ખાસ કરીને જીઆઈડીસી નજીક આવેલી લાલપુર બાયપાસ ચોકડી પર સવાર-સાંજ સર્જાતા ટ્રાફીક જામની સમસ્યા હળવી કરવા માટે રાજ્ય સરકારની ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી સિક્સ લેન ફ્લાયઓવરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જે શહેરના ટ્રાફીક વ્યવસ્થાપનમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
આ પ્રોજેક્ટના વિગતવાર આયોજન મુજબ, લાલપુર બાયપાસ ચોકડી ઉપર બનેલા આ ફ્લાયઓવરની લંબાઈ ૧ કિલોમીટર છે અને તેની બંને બાજુએ ૪ કિલોમીટર લંબાઈના સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે, જે વાહનવ્યવહારને વધુ સરળ બનાવશે. હાલ આ બ્રિજ પર રોડ નિર્માણ, રંગરોગાન અને આધુનિક લાઈટીંગ જેવું આખરી ઓપ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ડિસેમ્બર પૂરો થતાની સાથે જ પૂર્ણ થઈ જશે. આ ફ્લાયઓવર કાર્યરત થવાથી વાહનચાલકોનો કિંમતી સમય બચશે અને અકસ્માતોની સંભાવના પણ નહિવત થઈ જશે.
શહેરની અન્ય બે મોટી સમસ્યાઓ એવી રખડતા ઢોર અને રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે પણ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે. નાઘેડી રોડ પર ૬ કરોડ રૂપિયાના ખર્ચે ૫૦૦ ગૌવંશની ક્ષમતા ધરાવતી આધુનિક ગૌશાળા તૈયાર થઈ રહી છે, જેમાં પીવાના પાણી, ઘાસચારાના ગોડાઉન ઉપરાંત બીમાર પશુઓ માટે આઈસોલેશન વોર્ડની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ પરિસરમાં 'એનિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટર' પણ બનાવવામાં આવ્યું છે જ્યાં ૩૫૦ શ્વાનોને રાખી શકાશે અને દૈનિક ૫૦ શ્વાનોની નસબંધી થઈ શકે તે માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર, એક્સ-રે રૂમ તેમજ ડૉક્ટર્સ માટે ક્વાટર્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
