ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંકુલમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ના સમાપન અવસરે એક ભવ્ય તાલુકા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી, જેણે કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે ભગવાન બિરસા મુંડાના જીવન અને બલિદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે માત્ર ૨૫ વર્ષની નાની વયે જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા માટે અંગ્રેજો સામે એક ઐતિહાસિક લડત લડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ સમાજમાં નારી શક્તિના ઉત્થાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દીકરીઓ માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય છે. તેમણે વાલીઓને અપીલ કરી હતી કે દીકરીઓને માત્ર ઘરકામના કામો પૂરતી મર્યાદિત ન રાખતા તેમને ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ, જેથી તેઓ સરકારી નોકરી, વ્યવસાય કે રમતગમત ક્ષેત્રે આગળ વધીને બે કુળ તારીને આત્મનિર્ભર બની શકે.
આ સંમેલન દરમિયાન ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વિશેષ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. મહિલાઓમાં જાગૃતિ લાવવાના આ સાર્થક પ્રયાસથી સ્થાનિક સ્તરે ગ્રામીણ મહિલાઓ અને દીકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ સંમેલન મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયું હતું.
