JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભરૂચમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો

ભરૂચમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં સાંસદ અને ધારાસભ્યે ખુદ દોરડા ખેંચ અને લીંબુ ચમચી જેવી રમતો રમીને યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ ભર્યો હતો.

ભરૂચ જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે, જેના અંતર્ગત જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના કાલી તલાવડી સ્થિત જિલ્લા સ્પોર્ટ્સ સંકુલના ગ્રાઉન્ડ પર યોજાયેલા આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ તેમજ ઓપન કેટેગરીના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગ્રામીણ વિસ્તારના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો અનેરો થનગનાટ આ પ્રસંગે જોવા મળ્યો હતો, જ્યાં ઉત્સવના માહોલ વચ્ચે ખેલાડીઓની પ્રતિભા ખીલી ઉઠી હતી.

આ આયોજનનું મુખ્ય આકર્ષણ રાજકીય નેતાઓની સાદગી અને તેમનો રમતીયાળ સ્વભાવ બન્યા હતા. ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓએ માત્ર રમતોત્સવનો શુભારંભ જ નહોતો કરાવ્યો, પરંતુ તેઓ ખુદ હળવાશના મૂડમાં આવીને દોરડા ખેંચ અને લીંબુ ચમચી જેવી પરંપરાગત રમતો રમ્યા હતા. દિગ્ગજ નેતાઓને પોતાની સાથે રમતા જોઈને યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ બેવડાઈ ગયો હતો, જેણે સમગ્ર વાતાવરણને વધુ રોમાંચક બનાવ્યું હતું.

આ રમતોત્સવમાં આર્ચરી, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફુટબોલ, કોથળા દોડ જેવી અનેક દેશી અને પરંપરાગત રમતોની રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતીય સમાજની પરંપરાગત રમતો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં શારીરિક સ્વાસ્થ્ય અને એકતાની ભાવના કેળવવાનો છે. પ્રશાસનિક અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિએ ગ્રામ્ય સ્તરની રમતગમત પ્રતિભાઓને એક ઉત્તમ મંચ પુરૂ પાડ્યું છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES