JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરેન્દ્રનગરમાં આરોગ્ય અધિકારીની મનમાનીનો પર્દાફાશ, ટ્રસ્ટની હોસ્પિટલ પર કરી તાનાશાહી કાર્યવાહી

સુરેન્દ્રનગરમાં આરોગ્ય અધિકારીની મનમાનીનો પર્દાફાશ, ટ્રસ્ટની હોસ્પિટલ પર કરી તાનાશાહી કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ગોહિલની ચાર વર્ષથી ચાલતી અનિયમિત અને તાનાશાહીભરી કામગીરી સામે આવી છે. ટ્રસ્ટની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન ગેરકાયદેસર રીતે સીલ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રની છબી ખરડાઈ રહી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, છતાં કેટલાક અધિકારીઓની મનમાની અટકવાનું નામ નથી લેતી. જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે છેલ્લા ચાર વર્ષથી માત્ર ચાર્જ પર જ ફરજ બજાવતા ડૉ. સી.બી.ગોહિલ સામે સ્ટાફ, સ્થાનિક નેતાઓ અને તબીબોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેમની અન્યાયી અને દબાણયુક્ત કામકાજની શૈલીથી આખો વિભાગ ત્રાહિમામ પોકારી ગયો છે. તાજેતરમાં નાણાકીય ઉઘરાણા અને ગેરરીતિઓની ગંભીર ફરિયાદો ઉઠતા ડી.ડી.ઓ. કે.એસ. યાજ્ઞિક દ્વારા આ મામલે નિયામક બી.કે.દવેને સોંપવામાં આવેલી તટસ્થ તપાસથી આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો છે.

આ તાનાશાહીનું સૌથી મોટું ઉદાહરણ ધ્રાંગધ્રાની ઓમેક્સ ટ્રસ્ટ હોસ્પિટલના કિસ્સામાં જોવા મળ્યું છે. મનુકાકા અને ઇશુકાકા જેવા જાણીતા ઉદ્યોગપતિઓ દ્વારા કોઈપણ સરકારી સહાય વિના સંપૂર્ણપણે રાહત દરે ચલાવવામાં આવતી આ હોસ્પિટલમાં સામાન્ય લોકોના હિતમાં કામ થાય છે. બાજુમાં જ ચાલતી એક ખાનગી ગાયનેક ક્લિનિકમાં ઊંચી ફી વસૂલાતી હોવાને કારણે અને આ ટ્રસ્ટ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે પ્રસૂતિ થતી હોવાથી ખાનગી તબીબના દર્દીઓ ઘટી ગયા હતા. આ સ્વાર્થને પોષવા માટે કોઈ જ વાંક-ગુના વગર જિલ્લા આરોગ્ય અધિકારી ગોહિલે બપોરના સમયે ઓમેક્સ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન અચાનક સીલ કરી દીધું હતું, જે તેમની મનિષા પર ગંભીર સવાલો ખડા કરે છે.

જ્યારે હોસ્પિટલના ટ્રસ્ટીઓને આ અન્યાયી કાર્યવાહીની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક જિલ્લા કલેક્ટર, ડી.ડી.ઓ. અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી. ટ્રસ્ટીઓની આ રજૂઆત અને રોષને પગલે માત્ર કલાકોમાં જ, એટલે કે રાત્રે આઠ વાગ્યે જ આરોગ્ય અધિકારીએ પોતાના પગ પાછા ખેંચીને ટી.એચ.ઓ. મારફતે સીલ ખોલાવવાની ફરજ પડી હતી. આમ છતાં, ભૂતકાળમાં પણ થયેલી અનેક ફરિયાદો અને આ તાજા કિસ્સાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે કે સરકાર આ ભ્રષ્ટ અને મનસ્વી અધિકારી સામે કયા પ્રકારના દાખલારૂપ પગલાં લે છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES