JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સુરેન્દ્રનગર મનપાના વિવાદાસ્પદ નિર્ણયોથી કરોડોનું નુકસાન: નિયમો નેવે મૂકી મિલકત ટ્રાન્સફર કરાતા રોષ

સુરેન્દ્રનગર મનપાના વિવાદાસ્પદ નિર્ણયોથી કરોડોનું નુકસાન: નિયમો નેવે મૂકી મિલકત ટ્રાન્સફર કરાતા રોષ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉના પ્રમુખો અને વહીવટદારોએ અટકાવેલી કરોડો રૂપિયાની કિંમતી મિલકત માત્ર નામ માત્રના ભાડે ટ્રાન્સફર કરી દેવાતા મોટો વિવાદ સર્જાયો છે, જેના કારણે મનપાને લાખોનું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી બોસ્ટન રેસ્ટ હાઉસ જેવી કિંમતી મિલકત, જેમાં કુલ આઠ દુકાનોનો સમાવેશ થાય છે, તેને ટ્રાન્સફર કરવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. અગાઉના બે પાલિકા પ્રમુખો અને વહીવટદારોના શાસનકાળ દરમિયાન આ મિલકતના નામ ટ્રાન્સફર કરવાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ સરકારી નિયમો અને લોકહિતને ધ્યાનમાં રાખીને તેને મંજૂર કરવામાં આવી નહોતી. જો કે, હાલના સત્તાધીશોએ તમામ નિયમોને બાજુ પર મૂકીને માત્ર રૂા. ૨૬૯૦ના માસિક ભાડે આ મિલકત મૂળ માલિકના બદલે તેમની પુત્રીના નામે મંજૂર કરી દીધી છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે એક દુકાનનું ભાડું જ રૂા. ૧૫,૦૦૦ જેટલું ચાલી રહ્યું છે, ત્યારે આખી મિલકત નજીવા ભાડે આપી દેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ પ્રકરણમાં ગેરરીતિઓની હદ ત્યાં વટાવી દેવાઈ છે જ્યાં ભાડુઆત મહિલા હયાત હોવા છતાં નવું સોગંદનામું લીધા વિના અને કોઈપણ જાતના ભાડા વધારા વગર નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પેઢીના વારસાઈ કે અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર માત્ર ડેેઢ લાખ રૂપિયા ભરાવીને આ મિલકત અન્યના નામે કરી દેવાતા મનપાના જ સદસ્યો અને સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને, જે જગ્યા ગામડામાંથી આવતા સામાન્ય લોકોને રાહતદરે સેવા પૂરી પાડવાના હેતુથી ફાળવવામાં આવી હતી, તેનો ઉપયોગ આજે વ્યાપારી હેતુસર કરોડો રૂપિયાની કમાણી કરવા માટે થઈ રહ્યો છે. આ સ્થિતિમાં મનપાનો મૂળ હેતુ પણ નિષ્ફળ જઈ રહ્યો છે અને તંત્રને લાખો રૂપિયાની આવકનું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.

આ સમગ્ર વિવાદાસ્પદ મામલે શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કમિશનર જે.કે. જાદવ સમક્ષ આ ઠરાવ રદ્દ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. જો આ પ્રકારે અંગત સ્વાર્થ માટે મનપાની કિંમતી મિલકતો સસ્તા ભાડે અપાતી રહેશે તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની છબી પર પણ ખરાબ અસર પડી શકે છે. અગાઉના નેતાઓના મતે આ જગ્યાની જાહેર હરાજી કરીને ફરીથી ભાડે આપવી જોઈએ જેથી મનપાની આવકમાં મોટો વધારો થઈ શકે. હાલ તો કમિશનર આ મામલે શું અને કેવો નિર્ણાયક પગલું ભરે છે તેના પર સમગ્ર શહેરની મીંઢોળ બંધાયેલી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES