ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના અંતિમ દિવસે ભરૂચના આત્મીય હોલ ખાતે મહિલા શક્તિ, સમાજની પ્રગતિ અને આદિવાસી ગૌરવના સંકલ્પ સાથે એક ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને વડોદરાના સયાજીગંજજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષોનું ભગવાન બિરસા મુંડાની તસવીર અને પારંપરિક આદિવાસી ખેસ પહેરાવીને ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રાયોજના વહીવટદાર એમ.એન. ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન આપીને જનજાતીય સંસ્કૃતિ અને વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. સંમેલનને સંબોધતાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને 'વ્હાલી દીકરી યોજના'થી માંડીને 'ગંગાસ્વરૂપ યોજના' તેમજ મહિલા અનામત જેવા અનેક લાભો થકી મહિલાઓનું જીવનધોરણ ઊંચું આવી રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ જેને 'ભાગ્યું-ભાગ્યું ભરૂચ' કહેવાતું હતું, તે હવે વિકાસના પંથે આગળ વધીને 'ભર્યું-ભર્યું ભરૂચ' બની ગયું છે. આ સંમેલનમાં સખી મંડળની પ્રગતિશીલ મહિલાઓ પૂનમબેન પાટીલ, મનિષાબેન વસાવા અને શારદાબેન વસાવાએ ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પોતાની સફળતાની ગાથા રજૂ કરી અન્ય બહેનોને પ્રેરણા આપી હતી.
આ મહિલા સંમેલનમાં આઈ.એ.એસ. અધિકારી અવિધજા ગુપ્તા, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના ઉપપ્રમુખ રૂચિતા મોદી, અગ્રણીઓ પરેશ લાડ, જીગ્નેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષાબેન માનાણી, મામલતદાર નિકુંજભાઈ, માધવીબેન મિસ્ત્રી સહિત બહોળી સંખ્યામાં પ્રબુદ્ધ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું આયોજન માત્ર એક ઉત્સવ પૂરતું મર્યાદિત ન રહેતા, પરંતુ તે આદિવાસી મહિલાઓના આત્મવિશ્વાસને બળ પૂરુંનારું અને તેમને સ્વરોજગાર તરફ આગળ ધપાવનારું માધ્યમ સાબિત થયું હતું. સમગ્ર કાર્યક્રમે ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને જનજાતીય ગૌરવની અનોખી મિસાલ કાયમ કરી હતી.
