ગોધરા સ્થિત કલેક્ટર કચેરીના કોન્ફ્રન્સ હોલ ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી દ્વારા આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે (સશસ્ત્ર દળ ધ્વજ દિવસ)ની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટર જે. જે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેશના રક્ષણ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર સૈનિકો અને તેમના પરિવારોની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે ફંડ એકત્ર કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન પંચમહાલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી સુરજીત સિંહ રાઘવ દ્વારા સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળની સમગ્ર કામગીરી અને તેની પારદર્શિતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ ભંડોળમાંથી એકત્ર થતી રકમનો ઉપયોગ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને તેમના આશ્રિતોના પુનર્વસન તેમજ કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવે છે. આ માહિતીએ ઉપસ્થિત તમામ નાગરિકોમાં દેશસેવા અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના વધુ મજબૂત કરી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં ઉદારહસ્તે અને સક્રિય યોગદાન આપનાર વિવિધ શ્રેણીના દાતાઓનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી શાળાઓ-કોલેજો, ખાનગી સાહસો, સરકારી કચેરીઓ તેમજ વ્યક્તિગત દાતાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને અધિક કલેક્ટરના હસ્તે સ્મૃતિચિહન અને પ્રશસ્તિપત્ર એનાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહીને સૈનિક કલ્યાણના આ સત્કાર્યમાં સહભાગી બન્યા હતા.
